બેઇજિંગઃ ચીનના શાંઘાઇનાં 75 વર્ષનાં યી જિયફાંગે વ્હાલસોયા દીકરાની સ્મૃતિને લીલીછમ રાખવા અનોખું અભિયાન આદર્યું છે. તેઓ છેલ્લાં 22 વર્ષોથી મંગોલિયાના રણપ્રદેશમાં વૃક્ષારોપણનું અભિયાન ચલાવી રહ્યાં છે. આ અભિયાન તેમણે 2002માં શરૂ કર્યું હતું. અને જિયફાંગ અત્યાર સુધીમાં દુનિયાભરના 50 હજારથી સ્વયંસેવકોની મદદથી એક કરોડથી વધુ વૃક્ષો વાવી ચૂક્યાં છે.
જિયફાંગે ખુદનો પરસેવો સીંચીને આદરેલી આ ઝૂંબેશ હવે રંગ લાવી છે. તેમના અથાગ પ્રયાસોથી આજે રણપ્રદેશમાં 63,495 બાસ્કેટબોલ કોર્ટ કરતાં પણ વધુ મોટા પ્રદેશમાં હરિયાળા વૃક્ષો લહેરાઇ રહ્યા છે. આ અભિયાન માટે જિયફાંગ આજે 75 વર્ષની વયે પણ દરરોજ દસ કલાક મહેનત કરે છે. વર્ષ 2000માં જાપાનમાં એક માર્ગ દુર્ઘટનામાં તેમના પુત્રનું અવસાન પામ્યો હતો, તે સાથે આ અભિયાનનો આરંભ થાય છે. તેમના દીકરાની આખરી ઇચ્છા હતી કે આ ધરતી પર વધુમાં વધુ હરિયાળી લહેરાય તે માટે વૃક્ષારોપણને ભરપૂર પ્રોત્સાહન આપવામાં આવે. જિયફાંગે દીકરાની આ ઇચ્છાને જ તેમનો જીવનમંત્ર બનાવી લીધો. દીકરાની યાદને સદાબહાર રાખવા માટે તેમણે ચીન પરત ફરવાનો નિર્ણય કર્યો, અને મંગોલિયાના રેતાળ પ્રદેશમાં વૃક્ષારોપણ અભિયાન શરૂ કર્યું. જિયફાંગ આ ઝૂંબેશ દરમિયાન મોટા ભાગે કોટનવુડ, પાઇન, સૈક્સૌલ અને રશિયન ઓલિવ જેવા વૃક્ષો વાવે છે, જે ઓછા પાણીએ પણ ઝડપભેર ઉગી નીકળે છે.