દુનિયાના 150 દેશોમાં વેચાણ, 100થી વધારે દેશોમાં ઉત્પાદન

Wednesday 16th October 2024 02:21 EDT
 
 

ટાટા જૂથ વિશ્વના 150થી વધારે દેશોમાં પોતાનાં ઉત્પાદનો વેચે છે જયારે 100થી વધારે દેશોમાં ઉત્પાદન કરે છે. ચીન જેવા દેશોમાં તો વીસમી સદીની શરૂઆત પહેલાંથી ટાટા ગ્રૂપ હાજર છે. ટાટા ગ્રૂપની દુનિયાના અન્ય વિસ્તારોમાં હાજરી પર નજર નાંખીએ.
યુરોપ
ટાટા જૂથ 1907થી યુરોપમાં હાજર છે. 1907માં ટાટા લિમિટેડની સ્થાપના લંડનમાં થઈ હતી. હાલમાં યુરોપમાં ટાટા ગ્રૂપની 19 કંપનીઓમાં 60,000થી વધારે કર્મચારીઓ કામ કરે છે. યુકેમાં ટાટા સૌથી મોટા ઔદ્યોગિક નોકરીદાતા ગ્રૂપમાંથી એક છે. યુકેમાં 40થી વધુ સ્થળે કાર્યરત ટાટા ગ્રૂપની જગુઆર લેન્ડ રોવર, ટાટા સ્ટીલ અને ટાટા મોટર્સ ટાટાની અગ્રણી કંપનીઓ છે.
નોર્થ અમેરિકા
ટાટા ગ્રૂપ 70 વર્ષથી ઉત્તર અમેરિકામાં હાજરી ધરાવે છે અને 13 કંપનીઓ અને 35,000થી વધુ કર્મચારીઓ કામ કરે છે. ટાટા ગ્રૂપ નોર્થ અમેરિકામાં ભારતમાં મુખ્ય મથક ધરાવતી સૌથી મોટી બહુરાષ્ટ્રીય કંપનીઓમાંની એક છે. ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ, જગુઆર લેન્ડ રોવર, ટાટા કોમ્યુનિકેશન્સ, ટાટા ટેકનોલોજીસ, ટાટા સ્ટીલ અને ટાટા કેમિકલ્સ નોર્થ અમેરિકામાં કાર્યરત મોટી કંપનીઓ છે. ટાટા સન્સની રિપ્રેઝન્ટેટિવ ઓફિસ વોશિંગ્ટન ડીસીમાં છે.
એશિયા પેસિફિક
એશિયા પેસિફિક ટાટા જૂથની હાજરી 1970ના દાયકાની શરૂઆતની છે. ટાટા પ્રિસિઝન એન્જિનિયરિંગની સિંગાપોરમાં 1971માં સ્થાપના કરવામાં આવી હતી. અત્યારે એશિયા પેસિફિકમાં ટાટા જૂથની 16થી વધુ ઓપરેટિંગ કંપનીઓ છે અને 7,000 થી વધુ લોકોને રોજગારી આપે છે. સિંગાપોર 3,300 થી વધુ કર્મચારીઓ સાથે ટાટા જૂથ માટે નોડલ આંતરરાષ્ટ્રીય સ્થાન છે. સિંગાપોર આ ક્ષેત્રમાં ટાટા જૂથ માટે કેન્દ્રસ્થાને છે.
ચીન
જમશેદજી ટાટાએ આંતરરાષ્ટ્રીય વેપારમાં તેમની કારકિદીની શરૂઆત કરી ત્યારથી ટાટા જૂથના ચીન સાથે સંબંધો છે. વીસમી સદીની શરૂઆત પહેલાંથી ટાટા જૂથ ચીનમાં કામ કરે છે. ટાટાની કંપનીઓ આજે ચીનમાં સેંકડો કર્મચારીઓને રોજગારી આપે છે. ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ, ટાટા સ્ટીલ અને જગુઆર લેન્ડ રોવર અગ્રણી બ્રાન્ડ છે. ટાટા સન્સ બૈજિંગમાં પ્રતિનિધિ કાર્યાલય ધરાવે છે.
મિડલ ઇસ્ટ અને નોર્થ આફ્રિકા
મિડલ ઇસ્ટ અને નોર્થ આફ્રિકામાં ટાટા જૂથ 23થી વધુ કંપનીઓ, 3 બિલિયન ડોલરની આવક અને 12,000 થી વધુ કર્મચારીઓ સાથે કાર્યરત છે. આ વિસ્તારમાં કામ કરતી મુખ્ય ટાટા કંપનીઓમાં જગુઆર લેન્ડ રોવર, વોલ્ટાસ, ટાટા કોમ્યુનિકેશન્સ, ટીસીએસ, ઈન્ડિયન હોટેલ્સ, ટાટા કન્સલ્ટિંગ એન્જિનિયર્સ, ટાટા ગ્લોબલ બેવરેજિસ, ટાટા સ્ટીલ અને ટાટા મોટર્સનો સમાવેશ થાય છે. ટાટા સન્સનું મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકા હેડ ક્વાર્ટર દુબઈમાં આવેલું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter