નવી દિલ્હી: કોરોના વાઇરસથી આખી દુનિયામાં લોકોથી માંડીને સરકાર પોતપોતાની રીતે લડત ચલાવે છે. ધનપતિઓ અને સેલિબ્રિટીઓથી લઇને સ્પોર્ટ્સ સંગઠનો કોરોનાનું સંકટ દૂર કરવા માટે કરોડો-અબજોનું દાન કરી રહ્યાં છે. કોરોનાનું સંકટ તમામ દેશોને ઘેરી વળ્યું છે, ત્યારે તેની સામે દવા કે રસી શોધવા માટે ઘણો ખર્ચ આવશે. તેના સંશોધન પાછળ પણ મોટો ખર્ચ આવશે, તેને પહોંચી વળવું એક સંસ્થા કે કોઇ એક વ્યક્તિનું કામ નથી.
વળી, અમીર દેશોમાં એ શક્ય બને તો પણ ગરીબ દેશોમાં માસ્ક જેવા પ્રાથમિક સાધનોની પણ જરૂર છે, જે પાછળ પણ લાખ્ખોનો ખર્ચ આવે, તેને પહોંચી વળવાનું કામ ગરીબ દેશોનું નથી, એવા દેશો તથા તેની ગરીબ પ્રજાને મદદરૂપ થવા માટે વિશ્વના શ્રીમંતોએ કોરોના સામેના બહુપાંખીયા જંગને સફળ કરવા આર્થિક સહયોગ આપવાની ઉદારતા દેખાડી છે એ માનવતા ભણીનો તેમનો અભિગમ છે.
બિલ ગેટ્સનું રૂ. ૭૫૦ કરોડનું દાન
બિલ ગેટ્સે પોતાના ફાઉન્ડેશન દ્વારા કોરોનાની રસી બનાવવા અને આફ્રિકા-એશિયામાં સારવાર માટે માળખાકીય સુવિધા તૈયાર કરવા માટે ૭૫૦ કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. આ પહેલાં પણ તેઓ આ કામ માટે એક કરોડ ડોલરનું દાન કરી ચૂક્યા છે.
જેક માએ આપ્યા રૂ. ૧૦૦ કરોડ
અલીબાબાના સ્થાપક જેક મા કોરોનાની રસી વિકસાવવા માટે ૧૦૦ કરોડ રૂપિયા આપી ચૂક્યા છે. સાથે જ તેઓ અમેરિકાને ૫ લાખ ટેસ્ટિંગ કિટ અને ૧૦ લાખ ફેઇસ માસ્ક મોકલી ચૂક્યા છે.
ઇટાલીના ૧૮ શ્રીમંતોનું રૂ. ૨૫૦ કરોડનું દાન
ઇટાલીના ૧૮ અમીરોએ અત્યાર સુધી કોરોનાનું સંકટ દૂર કરવા ૨૫૦ કરોડ રૂપિયાથી વધુનું દાન કર્યું છે. ફેશન લિજેન્ડ અરમાનીએ મિલાન અને રોમમાં હોસ્પિટલોને ૧૦ કરોડ રૂપિયાનું દાન કર્યું છે. હોંગકોંગના સૌથી વધુ ધનિક લિ કાંગ શિંગે વુહાનમાં મેડિકલ વર્કરો માટે ૯૮ કરોડ રૂપિયા દાન કર્યા છે. અમેરિકાના પોપ સ્ટાર રિહાનાએ વેન્ટિલેટર ખરીદવા માટે ૧૦ કરોડ રૂપિયા દાન કર્યા છે.
અનિલ અગ્રવાલ રૂ. ૧૦૦ કરોડ આપશે
વેદાંતાના ચેરમેન અનિલ અગ્રવાલે કોરોના સામે લડવા માટે રૂ. ૧૦૦ કરોડનું દાન આપવાની જાહેરાત કરી છે. તો રિલાયન્સ જૂથના મુકેશ અંબાણીએ કોરોના પીડિતો માટે ૧૦૦ બેડની અલાયદી હોસ્પિટલ તૈયાર કરી છે. મહિન્દ્રા ગ્રૂપના આનંદ મહિન્દ્રાએ વેન્ટિલેટર માટેની દરખાસ્ત કરી છે.
ફૂટબોલરોનું ૫૦ કરોડનું દાન
દુનિયામાં ફૂટબોલ ખૂબ જ લોકપ્રિય છે. વિશ્વના અનેક ખૂણામાં જાણીતા અને માનીતા એવા ફૂટબોલરોએ અત્યાર સુધીમાં ૫૦ કરોડ દાનમાં આપ્યા છે. અમેરિકાની નેશનલ બાસ્કેટબોલ એસોસિએશન ફંડ એકત્ર કરી રહ્યું છે. એ એસોસિએશને અત્યાર સુધીમાં ૩૦૦ કરોડ રૂ.નું દાન કર્યું છે.