નવી દિલ્હીઃ લાંબા સાથે ટૂંકો જાય મરે નહીં તો માંદો થાય એવી ગુજરાતી કહેવત આપણે સહુએ સાંભળી છે, પણ આ ‘લાંબી’ અને ‘ટૂંકી’ વ્યક્તિની મુલાકાતે દુનિયાભરના અખબારોનું ધ્યાન ખેંચ્યું છે. બંનેના નામ ગિનેસ બુકમાં નોંધાયેલા છે. તેનું કારણ એ છે કે એક વિશ્વની સૌથી ઉંચી વ્યક્તિ છે તો બીજી વ્યક્તિ દુનિયાની સૌથી નીચી છે. 41 વર્ષીય સુલતાન કોસેન વિશ્વના સૌથી ઉંચા માણસ છે તો ભારતની 30 વર્ષની જ્યોતિ આમગે વિશ્વની સૌથી નાની મહિલા છે. હવે બંને ફરી એક વાર મળ્યા છે. જ્યોતિએ આ તસવીર પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. બંનેએ સોમવારે અમેરિકાના કેલિફોર્નિયામાં સાથે નાસ્તો કર્યો હતો. આ પહેલા બંને વર્ષ 2018માં એક ફોટોશૂટ દરમિયાન ઈજિપ્તમાં મળ્યા હતા.
કોસેનની ઊંચાઈ 8 ફૂટ 2.8 ઈંચ છે. વર્ષ 2008માં તેઓ એવા પ્રથમ વ્યક્તિ બન્યા કે જેની ઊંચાઈ 8 ફૂટથી વધુ છે. તે તુર્કિયેના રહેવાસી છે અને પાર્ટટાઇમ ખેતી કરે છે.
કોસેનને એક્રોમેગલી બીમારી હતી, જે સામાન્ય રીતે કફોત્પાદક ગ્રંથિમાં ગાંઠને કારણે થાય છે. આ ગાંઠ વધુ પડતા ગ્રોથ હોર્મોનનું ઉત્પાદન કરે છે, જે ઊંચાઈ વધારે છે. જોકે હોર્મોનના આ ઉત્પાદનને નિયંત્રિત કરવા યુનિવર્સિટી ઓફ વર્જિનિયા મેડિકલ સેન્ટરમાં સારવાર લીધા પછી 2011 માં કોસેનની ઊંચાઈ વધવાનું બંધ થયું છે.
જીવિત મનુષ્યોમાં સૌથી લાંબા હાથ ધરાવવાનો ગિનેસ રેકોર્ડ પણ તેના નામે છે. કાંડાથી મધ્યમ આંગળી સુધી તેના દરેક હાથની લંબાઈ 11.22 ઈંચ છે. તેમના નામે સૌથી લાંબા પગનો રેકોર્ડ પણ છે. જ્યોતિએ શેર કરેલી તસવીરમાં કોસેન ખુરશીની સામે ઉભા છે. જ્યારે જ્યોતિ પણ તેમની સામે ઉભી છે. જ્યારે જ્યોતિ આમગેની ઉંચાઈ માત્ર 2 ફૂટ છે. તેને એકોન્ડ્રોપ્લાસિયા નામનો રોગ છે, જે વામનવાદનું કારણ બને છે.
તેના 18મા જન્મદિવસ પછી, 16 ડિસેમ્બર 2011ના રોજ ગિનીસ બુકે તેને સત્તાવાર રીતે વિશ્વની સૌથી ટૂંકી જીવતી મહિલા જાહેર કર્યા હતાં. તુર્કીયેની અનાદોલુ ન્યૂઝ એજન્સી અનુસાર, સુલતાન કોસેન અને જ્યોતિ આમગે સોમવારે એક અમેરિકન નિર્માતાના આમંત્રણ પર કેલિફોર્નિયા પહોંચ્યા હતા.