ક્વિટોઃ ઈક્વાડોરના દંપતીએ વિશ્વના સૌથી વયોવૃદ્ધ દંપતી હોવાનો વિક્રમ પોતાના નામે કર્યો છે. આ બન્નેની વયનો સરવાળો ૨૧૫ વર્ષ થાય છે. પતિ જુલિયોની વય ૧૧૦ વર્ષ છે અને જ્યારે વોલ્ડ્રામાની વય ૧૦૫ છે.
ઈક્વાડોરના જુલિયો સીઝર મોરા ટાપિયા અને વોલ્ડ્રામા માલ્કોવા વચ્ચે ૧૯૪૦માં પ્રેમ થયો હતો. બંનેએ ૧૯૪૧માં લગ્નબંધને બંધાઇ ગયા, બસ ત્યારથી તેઓ એકમેકના બની રહ્યા છે. જુલિયોનો જન્મ ૧૯૧૦માં થયો છે જ્યારે વોલ્ડ્રામાનો જન્મ ૧૯૧૫માં થયો છે. જુલિયોના કઝીન સાથે વોલ્ડ્રામાની બહેનના લગ્ન થયા એ વખતે બંને પહેલી વખત મળ્યા હતા. અને પરિચય પ્રેમમાં પરિણમ્યો હતો
જુલિયોએ વોલ્ડ્રામા સાથે રહેવા માટે શરૂઆતમાં તેમનો પરિવાર અને ઘર છોડી દીધા હતા. ત્યારથી બંનેની સહજીવન શરૂ થયું હતું. બંને ઈક્વાડોરના કેપિટલ ક્વિટોમાં જ શિક્ષક તરીકે કાર્યરત હતા. સમય જતાં જુલિયોના પરિવારે વોલ્ડ્રામાને અપનાવી લીધી હતી.
ચાર પેઢી નિહાળી
લગ્ન પછી આ દંપતી પાંચ સંતાનોના માતા-પિતા બન્યા હતા. જોકે આ જે તો તેમના સંતાનો પણ નિવૃત્તિની વયે પહોંચી ગયા છે. તેમના સૌથી મોટા પુત્રનું થોડા વર્ષો પહેલાં ૫૮ વર્ષની વયે નિધન થયું હતું. તેમણે ૧૧ ગ્રાન્ડ ચિલ્ડ્રન, ૨૧ ગ્રેટ ગ્રાન્ડ-ચિલ્ડ્રન અને ૯ ગ્રેટ ગ્રેટ ગ્રાન્ડ ચિલ્ડ્રનનો પરિવાર નિહાળ્યો છે. બીજી રીતે કહીએ તો તેમણે પરિવારની ચાર - ચાર પેઢીઓ જોઈ છે. તેમને લગ્નજીવનના ૭૯ વર્ષ પૂરા કરીને ૮૦મા વર્ષમાં પ્રવેશ કર્યો તે સાથે જ સૌથી વયોવૃદ્ધ દંપતી તરીકે તેમનું નામ ગિનેસ બુકમાં નોંધાયું હતું. અગાઉ આ રેકોર્ડ અમેરિકન દંપતીના નામે હતો.
એન્જોય કરે છે એકમેકની કંપની
આજે પણ બંને સતત એકબીજાની કંપની એન્જોય કરે છે. સાથે ફિલ્મો જુએ છે, સાથે જ જમે છે. પરિવારના સભ્યો સાથે બેસીને વાર્તાઓ સાંભળે છે. જૂના સ્મરણો વાગોળે છે. આજની જનરેશનના કપલ્સને મેસેજ આપતા જુલિયો અને વોલ્ડ્રામા કહે છે કે એકબીજાને રિસ્પેક્ટ આપો, એકબીજાના મૂડ્સને સમજો. એકમેક સાથે ઓનેસ્ટ રહો. એકબીજા પ્રત્યે પ્રેમ બતાવતા રહો. ગમતી અને ન ગમતી બાબતો મોકળા મને શેર કરો અને બંનેના શોખને પોષણ આપો. બસ આટલું કરશો તો ખુશહાલ જીવી શકશો.