સિઓલ: દક્ષિણ કોરિયાના સિઓલ નજીક આવેલા જોગયેશા મઠમાં નવેમ્બરમાં વાલીઓની લાંબી કતારો લાગે છે કારણ કે, તમામ લોકો પોતાના સંતાનો માટે પ્રાર્થના કરવા આવે છે. આ સમય દરમિયાન તેમના બાળકો દુનિયાની સૌથી અઘરી યુનિવર્સિટી એન્ટ્રન્સ એક્ઝામની તૈયારી કરે છે. નવેમ્બરના બીજા સપ્તાહમાં આયોજિત સુનેયુંગ નામની આ પરીક્ષા નવ કલાક ચાલે છે, જેમાં પાંચ લાખથી વધુ બાળકો બેસે છે. દક્ષિણ કોરિયામાં ઉચ્ચ શિક્ષણ મેળવવા ઈચ્છુક દરેક યુવાનનું સપનું હોય છે કે તે આ એક્ઝામ પાસ કરે. આખો દેશ આ પરીક્ષાની રાહ જુએ છે. તે પાસ કરવાનો અર્થ છે, સારું ભવિષ્ય અને સારી છોકરીની ગેરંટી. જોકે, આ અઘરી પરીક્ષાને લઈને હવે દક્ષિણ કોરિયામાં સમાજશાસ્ત્રીઓએ સવાલ ઉઠાવ્યા છે. અહીંના વાલીઓનું કહેવું છે કે, આ પરીક્ષા સરળ કરવી જોઈએ.
આ પરીક્ષાથી યુવાનોમાં તણાવ અને આત્મહત્યાના કેસ વધ્યા છે. વિકસિત દેશોમાં સ્થાન ધરાવતા દક્ષિણ કોરિયામાં આત્મહત્યાનો દર સૌથી ઊંચો છે. ૨૪ વર્ષ સુધી યુવાનોમાં આત્મહત્યાનો દર છેલ્લા પાંચ વર્ષમાં ૧૦ ટકા વધ્યો છે. સુનેયુંગમાં પાસ નહીં થવાના કારણે પણ અનેક યુવાન આત્મહત્યા કરી રહ્યા છે. આ સાથે તેમના માનસિક આરોગ્ય પર પણ અસર પડી રહી છે.
આ પરીક્ષામાં ભાગ લેવા વિદ્યાર્થીઓ મોડા ના પડે માટે સિઓલમાં ટ્રાફિક, ટ્રેન, ફ્લાઈટને રિશિડ્યુલ કરાય છે. સરકારી ઓફિસો, બેંક અને સ્ટોક માર્કેટ પણ એક કલાક મોડા ખૂલે છે. પરીક્ષા સવારે ૮-૪૫ વાગે શરૂ થાય છે. જે વિદ્યાર્થીઓ મોડા પડવાની આશંકા હોય તેમના માટે પોલીસ કાર અને બાઈક પણ હોય છે. આ વાહનોમાં બેસીને તેઓ યુનિવર્સિટી પહોંચી શકે છે. નેશનલ પોલીસ એજન્સીનું કહેવું છે કે, અમે દેશના સારા ભવિષ્ય માટે આ રીતે મદદ કરીએ છીએ.