નવી દિલ્હીઃ ગરમીની શરૂઆત સાથે જ બજારમાં ‘ફળોના રાજા’ની શાહી પધરામણી થઇ ચૂકી છે. અને વેરાયટી પણ કેટલી... તોતાપુરી, લંગડો, બદામ, દશેરી, ચૌસા, હાફુસ, કેસર સહિત જાતભાતની કેરી બજારમાં દેખાઇ રહી છે. આ ભારતીય કેરીની માગ દેશની સાથે સાથે વિદેશોમાં પણ ભારે જોવા મળે છે અને ઊંચા દામે વેચાય છે. જોકે ‘ફળોના રાજા’માં પણ આ કેરીની વાત અનોખી છે - તેના દામના કારણે અને તેના સ્વાદના કારણે. આ કેરી સો - બસો રૂપિયે કિલો નહીં, પણ પૂરા અઢી લાખ રૂપિયે કિલોના ભાવે વેચાય છે. આ સાંભળીને આપ પણ આશ્ચર્યચકિત થઈ જશો કે, એક કિલો કેરીના 2.50 લાખ રૂપિયા! આખરે આ ક્યા કુળની કેરી છે?
આ કેરી જાપાનીઝ કુળની છે, અને હરાજીમાં તેના આટલા ઊંચા દામ ઉપજે છે. મધ્ય પ્રદેશમાં આ જ કુળની કેરી 20 હજાર રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે, અને એક કિલોમાં લગભગ 5 કેરી આવે છે. જો ભાવના હિસાબથી જોઈએ તો, એક કેરી 4000 રૂપિયામાં પડે છે. જોકે અસલ એ તો અસલ જ ને...
ક્યાં ઉગે છે આ મોંઘી કેરી?
2.50 લાખ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતી આ કેરીનું નામ મિયાઝાકી છે, જેને દુનિયાની સૌથી મોંઘી કેરી તરીકે ઓળખાવાય છે. આ કેરી મિયાઝાકી શહેરમાં ઉગતી હોવાથી તેને આ નામ મળ્યું છે. આ કેરી ચમકીલા રંગ અને ઈંડા જેવા આકારના કારણે ‘સૂર્યનું ઈંડું’ તરીકે પણ ઓળખાય છે. તેને એપ્રિલ અને ઓગસ્ટની વચ્ચે ઉગાડવામાં આવે છે અને પાકી ગયા બાદ આ કેરી જાંબલી રંગમાંથી લાલ રંગની થઈ જાય છે.
ભારતમાં પણ આ કેરીની ખેતી
કોટાના ખેડૂત શ્રીકિશન સુમન રણપ્રદેશમાં મિયાઝાકી કેરીની ખેતી કરે છે. છેલ્લા 5 વર્ષથી મિયાઝાકી કેરીની જાત પર કામ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં શ્રીકિશન 50 છોડ વેચી ચુક્યા છે અને તેમની પાસે 100 છોડનો ઓર્ડર પેન્ડીંગ છે.
મિયાઝાકી કેરીનું સરેરાશ વજન લગભગ 350 ગ્રામ હોય છે. તેમાં શુગરની માત્રા સામાન્ય કેરીની સરખામણીમાં 15 ટકા વધારે હોય છે. આ ફળમાં એન્ટીઓક્સિડેન્ટ, બીટા કૈરોટીન અને ફોલિક એસિડ પ્રચુર માત્રામાં હોય છે.
રિંગણી રંગની આ કેરી ભારત ઉપરાંત બાંગ્લાદેશ, ભારત, થાઈલેન્ડ અને ફિલીપાઈન્સમાં પણ ઉગાડવામાં આવે છે. આ કેરી નંગદીઠ આશરે 3500 રૂપિયા આસપાસ વેચાતી હોય છે.