દુનિયાની સૌથી મોંઘી સેન્ડવિચ

ન્યૂ યોર્કમાં મળતી આ સેન્ડવિચની કિંમત છે $208

Wednesday 28th June 2023 12:39 EDT
 
 

ન્યૂ યોર્ક: ભારત હોય કે બ્રિટન, બાળકો હોય કે વડીલો સેન્‍ડવીચ એક એવી વાનગી છે જે દરેક ઉંમરના લોકો ખાવાનું પસંદ કરે છે. બે બ્રેડ વચ્‍ચે વિવિધ વેજિટેબલ્સ કે પોતાનું મનપસંદ સ્ટફિંગ મૂકીને ક્રિસ્‍પી સેન્‍ડવીચ ખાવાથી અદ્દભુત અનુભવ થાય છે. રોડસાઇડ મળતી સેન્‍ડવીચની કિંમત એટલી ઓછી હોય છે કે સામાન્‍ય લોકોના ખિસ્સાને પણ તે પરવડે છે. બીજી તરફ, મોટી રેસ્‍ટોરાંમાં મળતી સેન્‍ડવીચ થોડી મોંઘી હોય છે. જોકે અમેરિકાના ન્યૂ યોર્કમાં વેચાતી સેન્ડવીચ એટલી મોંઘી છે કે સામાન્‍ય માણસ તેને ખરીદવાનું વિચારી પણ વિચારી શકે નહીં.
એક રિપોર્ટ અનુસાર ન્યૂ યોર્કની સેરેન્ડિપિટી-3 નામની રેસ્ટોરાંમાં મળતી આ સેન્ડવિચ દુનિયાથી સૌથી મોંઘી સેન્ડવિચ છે. તેને ગિનેસ વર્લ્ડ રેકોર્ડે આ ખિતાબ આપ્યો છે. આશ્ચર્યજનક રીતે, સેરેન્ડિપિટી3 રેસ્ટોરાંમાં સૌથી મોંઘી મીઠાઈ, સૌથી મોંઘા હેમ્બર્ગર, સૌથી મોંઘા હોટડોગ અને સૌથી મોટી વેડિંગ કેકનો રેકોર્ડ પણ છે. જે સેન્‍ડવિચ વિશે વાત થઇ રહી છે તેનું નામ છે ક્‍વિન્‍ટેસેન્‍શિયલ ગ્રીલ્‍ડ ચીઝ સેન્‍ડવિચ. તેમાં પડતી વસ્‍તુઓ ઘણી મોંઘી અને દુર્લભ છે. આ સેન્‍ડવિચની કિંમત 208 ડોલર (આશરે 17 હજાર રૂપિયા) છે. સેન્ડવીચ માટે રેસ્ટોરાં ફ્રેન્‍ચ પુલમેન શેમ્‍પેઈન બ્રેડના બે ટુકડાનો ઉપયોગ કરે છે. જે ડોમ પેરીગ્નન શેમ્‍પેઈન અને સોનાના વરખ સાથે બનાવવામાં આવે છે. તેમાં સફેદ ટ્રફલ બટર અને બ્રેડ વચ્‍ચે કેસિઓકાવાલો પોડોલીકો ચીઝ ફેલાવાય છે. આ બધી વસ્‍તુઓ ઘણી મોંઘી છે. તે દક્ષિણ આફ્રિકાના લોબસ્‍ટર ટોમેટો બિસ્‍ક ડીપિંગ સોસ સાથે બેકારેટ ક્રિસ્‍ટલ પ્‍લેટ પર પીરસવામાં આવે છે.
આ જ કારણ છે કે જો તમને આ સેન્‍ડવીચ ખાવાનું મન થાય તો તમારે 48 કલાક પહેલા એટલે કે 2 દિવસ પહેલા ઓર્ડર આપવો પડશે. જ્‍યારે કોઈ સેન્‍ડવીચનો ઓર્ડર આપે ત્‍યારે જ અલગ-અલગ જગ્‍યાએથી સામાન મંગાવવામાં આવે છે. આમાં વપરાતું ચીઝ ખાસ ઈટાલીથી લાવવામાં આવે છે. અને આવી બધી મોંઘેરી ચીજવસ્તુઓ ભેગી કરીને બનાવેલી સેન્ડવીચ પણ મૂલ્યવાન જ હોવાનીને!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter