દુબઇ: યુએઇ ભલે રણપ્રદેશ ગણાતો હોય, પરંતુ આ દુબઈના આ ગાર્ડનમાં એક લટાર મારશો તો દિલ બાગ બાગ થઇ જશે. આ અદભૂત અને નયનરમ્ય રંગો ધરાવતી આ તસવીર યુએઇમાં આવેલા ‘દુબઈ મિરેકલ ગાર્ડન’ની છે. દુબઈનો રંગીન બગીચો દુનિયાના સૌથી મોટા નેચરલ ફ્લાવર ગાર્ડનનું બહુમાન ધરાવે છે. આશરે 72 હજાર સ્કવેર મીટરમાં ફેલાયેલા આ મિરેકલ ગાર્ડનમાં આશરે 15 કરોડથી વધુ તો ફૂલ છે. અહીં 10 હજારથી વધુ પ્રજાતિઓના ફૂલ જોવા મળે છે. આ ગાર્ડનમાં એક અનોખો બટરફ્લાય ગાર્ડન પણ છે, જ્યાં 15 હજાર પ્રકારના રંગબેરંગી પતંગિયાઓનો વસવાટ છે. આ ગાર્ડનના મુખ્ય આકર્ષણની વાત કરીએ તો અહીં ફ્લાવર ક્લોક, તાજમહેલ, એરોપ્લેન, ફૂલોની દુનિયા અને ફૂલોથી બનેલી અનેકવિધ કલાકૃતિઓ જોઈ શકાય છે. જોકે, સમય-સમયે અહીં ફૂલોથી બનેલા સ્ટ્રક્ચર બદલાતા રહે છે. ગાર્ડનમાં રેસ્ટ કરવા માટેનું રેસ્ટ હાઉસ પણ ફૂલોનું બનેલું છે. અહીં ફૂલછોડને પાણી પાવા માટે દરરોજ બે લાખ ગેલન પાણીનો ઉપયોગ કરાય છે, અને મોટા ભાગનું વેસ્ટ વોટર હોય છે.