વોશિંગ્ટન: અમેરિકાના એરિઝોના પ્રાંતના ટક્સન ખાતેની લેબમાં વૈજ્ઞાનિકોએ દુનિયાના સૌથી મોટા ડિજિટલ કેમેરા લેગસી સર્વે ઓફ સ્પેસ એન્ડ ટાઇમ (LSST) બનાવવામાં સફળતા મેળવી છે. લગભગ 20 વર્ષથી તૈયાર કરવામાં આવી રહેલા આ 3200 મેગાપિક્સલ (MP)ના કેમેરાને ચિલીના વેરા સી રુબિન ઓબ્ઝર્વેટરીમાં લગાવવામાં આવશે. ટેક્નોલોજી ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે, દરરોજ નવી ટેક્નોલોજી આવી રહી છે છતાં આ પ્રોજેક્ટને સાકાર કરવામાં બે દસકા લાગ્યા છે તે જ દર્શાવે છે કે આ કાર્ય કેટલું જટિલ હશે અને તેની સફળતાનું કેટલું મહત્ત્વ છે.
આજે આપણે આપણે સહુ ટેક્નોલોજી મારફતે ઘેરાયેલા છીએ. કેમેરાથી લઈને સ્માર્ટફોન સુધી આપણે જાતભાતની ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છીએ. એક સમયે આપણે 0.7 મેગાપિક્સલ કેમેરાથી ફોટા લેતા હતા, અને તેમાં પણ ખુશ ખુશ થઇ જતા હતા. જોકે, ધીરે ધીરે ટેક્નોલોજી વિકસતી ગઈ, જેના કારણે કેમેરાની ગુણવત્તામાં પણ સુધારો થયો.
પહેલાં 10-12 મેગાપિક્સલ પછી 64 અને હવે 108 મેગાપિક્સલ કેમેરા પણ આવવા લાગ્યા. અમેરિકન વૈજ્ઞાનિકોએ વિશ્વનો સૌથી મોટો કેમેરો રજૂ કર્યો છે. આ કેમેરામાં 3200 મેગાપિક્સલનો લેન્સ છે.
આ કેમેરા એટલો પાવરફુલ છે કે તે 24 કિમી દૂર રાખેલા બોલની તસવીર પણ લઈ શકે છે. વૈજ્ઞાનિકો હવે આ નવા શક્તિશાળી ટૂલ સાથે બ્રહ્માંડના સૌથી મોટા અને વિશાળ રહસ્યો લોકોની સમક્ષ લાવવા માટે તૈયાર છે.
લેગસી સર્વે ઓફ સ્પેસ એન્ડ ટાઈમ (LSST) કેમેરામાં તમામ આધુનિક સુવિધા છે. આ કેમેરા બ્રહ્માંડની અભૂતપૂર્વ વિગતો મેળવવામાં સફળ રહેશે. એલએસએસટી કેમેરાને ચિલીના રિમોટ ક્ષેત્રમાં હાલમાં નિર્માણ હેઠલ રહેલા વેરા સી રુબિન ખાતે મુકવામા આવશે. આ વિસ્તારમાંથી વધુ સારી રીતે અભ્યાસ કરી શકાશે.