મેડ્રિડઃ શું ક્રિસ્ટોફર કોલંબસ ઇટલીના જેનોઆના વતની હતા? કે પછી તેઓ સ્પેનિશ હતા? કેટલાક નિષ્ણાતો વળી તેમને પોર્ટુગીઝ, ક્રોએશિઆઇ કે પછી પોલેન્ડના વતની પણ ગણાવી રહ્યા છે.
પંદરમી સદીના મહાન દરિયાઇ નાવિક અને સંશોધક કોલંબસ ક્યાંના વતની હતા એ વર્ષોજૂના સવાલનો જવાબ હવે માત્ર પાંચેક મહિનામાં મળી જવાની શક્યતા છે. આંતરરાષ્ટ્રીય વિજ્ઞાનીઓએ તેમના અવશેષોના ડીએનએની તપાસ કરીને તેમના ભૌગોલિક મૂળ સુધી પહોંચવાના પ્રયાસો આદર્યા છે. આના તારણો આગામી ઓક્ટોબરમાં જાહેર કરાશે. તાજેતરમાં ગ્રેનેડા યુનિવર્સિટીના યજમાનપદે કોલંબસ સંશોધકોની પહેલી વૈશ્વિક બેઠક યોજાઇ હતી.
‘વિરોધાભાસ’ શમાવવાનો ઉમદા ઉદ્દેશ
ગ્રેનેડા યુનિવર્સિટીના ફોરેન્સિક મેડિસિન વિભાગના પ્રોફેસર જોસ એન્ટોનિયો લોરેન્ટેના જણાવ્યા પ્રમાણે, સામાન્ય માન્યતા તો એવી છે કે ક્રિસ્ટોફર કોલંબસ ઇટલીના વતની છે.
જોકે અમારો ઉદ્દેશ ઐતિહાસિક દસ્તાવેજોમાં જોવા મળતા ‘વિરોધાભાસો’ દૂર કરીને તેમના સંબંધિત તમામ જાણકારી એકત્ર કરવાનો છે.
અવશેષોથી થશે ઓળખ
સંશોધકો કોલંબસના હાડકાનાં ચાર નાનાં ટુકડાં, પુત્ર હર્નાંડોના એક દાંત અને સાત હાડકાંના ટુકડા તેમજ તેમના ભાઇ ડિયાગોના હાડકાના એક ડઝન ટુકડાઓ પર સંશોધન કરી રહ્યા છે. હાડકાના આ ટુકડાંઓને ઇટલીના રોમ અને ફલોરેન્સ, અમેરિકા અને મેક્સિકોની આનુવાંશિક ક્ષેત્રે સંશોધન કાર્યો કરતી પ્રયોગશાળાઓમાં મોકલાઇ રહ્યા છે.
તલાશ ભારતની, મળ્યું અમેરિકા
કોલંબસે વર્ષ ૧૪૯૨ અને ૧૫૦૪ના અરસામાં સ્પેનિશ સમ્રાટોની સહાયથી શરૂ કરેલા ચાર ટ્રાન્સ-એન્ટાલાન્ટિક પ્રવાસોએ ‘નવી દુનિયા’ના દરવાજા ખોલ્યા હતા. અમેરિકી દ્વિપોની શોધખોળે યુરોપ માટે મૂડીરોકાણનો એક નવો દરવાજો ખોલી આપ્યો હતો, જેને તે સમયે ‘ન્યૂ વર્લ્ડ’ના નામે ઓળખાવાતો હતો.
રસપ્રદ વાત તો એ છે કે કોલંબસ ‘સોનાની ચીડિયા’ ભારતને શોધવા નીકળ્યા હતા, જેમાં તેમને સફળતા સાંપડી નહોતી. ૨૦ મે ૧૫૦૬ના રોજ તેમના નિધન બાદ તેમના મૃતદેહને સ્પેનિશ શહેર વલાડોલિડમાં દફનાવાયો છે.