દુનિયામાં કોરોનાના સંક્રમિતોનો આંક ૮ કરોડને પાર

Tuesday 29th December 2020 15:48 EST
 
 

વોશિંગ્ટનઃ દુનિયામાં ૨૮મી ડિસેમ્બરે કોરોનાના સંક્રમિતોનો આંક ૮ કરોડને પાર થતાં ૮૧૧૪૨૧૧૩ થયો હતો. ૨૯મીના અહેવાલો અનુસાર વિશ્વમાં કોરોના સંક્રમિતોનો આંક ૮૧૮૬૫૯૯૨, કુલ મૃતકાંક ૧૭૮૫૪૫૬ અને કુલ રિકવરી આંક ૫૭૯૭૬૪૯૩ પહોંચ્યો હતો. જોકે વિશ્વભરમાં નીતનવા સ્વરૂપે તેનો પ્રસાર ચાલુ છે.
બ્રિટનના કોરોના સ્ટ્રેને સીમાડા વટાવ્યા
૨૬મી ડિસેમ્બરના અહેવાલો અનુસાર, બ્રિટનમાં કોરોના વાઇરસનો વધુ ઘાતકી અને ચેપી સ્ટ્રેન સામે આવતાં વિશ્વભરમાં કોરોના સંક્રમણનો ખતરો એકાએક વધી ગયો છે. ફ્રાન્સના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે, બ્રિટનમાં તાજેતરમાં ઉદ્દભવેલા નવા કોરોના વાઇરસનો પહેલો કેસ ફ્રાન્સમાં નોંધાયો હતો. ૧૯મી ડિસેમ્બરે લંડનથી ફ્રાન્સ પહોંચેલા ફ્રેન્ચ નાગરિકના ટેસ્ટમાં કોરોનાનો નવો સ્ટ્રેન મળી આવ્યો હતો. બ્રિટનની નજીક આવેલા આયરલેન્ડમાં પણ નવા સ્ટ્રેનનો પહેલો કેસ સામે આવ્યો છે. આયરલેન્ડની સરકારે દેશમાં ૧૨ જાન્યુઆરી સુધી તાત્કાલિક લોકડાઉનની જાહેરાત કરી હતી. તેવી જ રીતે બ્રિટનથી સુદૂર પૂર્વમાં આવેલા જાપાનમાં કોરોનાના નવા સ્ટ્રેનના પાંચ કેસ સામે આવ્યાં છે. સ્પેનના મેડ્રિડમાં પણ બ્રિટિશ સ્ટ્રેનના ૪ કેસ સામે છે.
મહિલા પત્રકારને ચીનમાં કેદ
ચીનના વુહાનથી કોરોના વાઇરસનો રોગચાળો ફાટી નીકળ્યો હોવાનો અહેવાલ આપનાર એક મહિલા પત્રકારને સ્થાનિક કોર્ટ દ્વારા ચાર વર્ષની સજા થઈ છે. ૩૭ વર્ષની ઝાંગ ઝાન એવા કેટલાક લોકોમાંની એક છે, જેણે પોતાના અહેવાલમાં જણાવ્યું હતું કે સત્તાવાર આંકડાની સરખામણીએ ખરેખર પરિસ્થિતિ ઘણી વિકરાળ હતી.
સાંતાક્લોઝ કોરોના સંક્રમિત
બેલ્જિયમના એક કેર હોમમાં કોરોના સંક્રમિત સાન્તા ક્લોઝ ગિફ્ટ આપવા પહોંચી જતાં કેર હોમમાં વસી રહેલા ૧૨૧ લોકો અને ૩૬ કર્મચારીઓ કોરોના સંક્રમણનો ભોગ બની ગયા હતા. જેમાંથી ૧૮નાં મૃત્યુ થયાં છે. બે સપ્તાહ પહેલાં સાન્તા ક્લોઝે બેલ્જિયમના એન્ટવર્પમાં વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી હતી. વૃદ્ધાશ્રમની મુલાકાત લીધા પછીના ત્રણ દિવસે સાન્તા ક્લોઝ કોરોના પોઝિટિવ આવ્યો.
૯૦૦ અબજ ડોલરનું કોવિડ-૧૯ રાહત પેકેજ
અમેરિકી સેનેટે ૨૨મી ડિસેમ્બરે રાત્રે અમેરિકી સરકારના ૧.૪ ટ્રિલિયન ડોલરના રેગ્યુલર ફંડિંગ અને બિઝનેસને કરવેરામાં છૂટછાટો સાથે ૯૦૦ અબજ ડોલરની કોવિડ-૧૯ રાહત પેટે મહાકાય ખર્ચ ખરડાને મંજૂરી આપી હતી. અમેરિકી સેનેટમાં સ્પેન્ડિંગ બિલને બે વખત હાથ ધરાયેલા મતદાનમાં ૩૨૭-૮૫ અને ૩૫૯-૫૩ મતથી પસાર કરાયું હતું. જોકે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે ૨૬મી ડિસેમ્બરે ૨.૩ ટ્રિલિયન ડોલરના કોરોના મહામારી અને રાહત પેકેજ બિલ પર સહી કરવાની ના પાડતાં લાખો લોકો બેકારી ભથ્થાથી વંચિત રહી ગયા. ટ્રમ્પના મતે કોરોના વાઇરસ મહામારીમાં ૮૯૨ અબજ ડોલરની અત્યંત ખાસ જરૂર છે. ઉલ્લેખનીય છે કે, વિશ્વમાં અમેરિકા કોરોના મહામારીના કેસમાં પ્રથમ સ્થાને છે. ૨૯મીના અહેવાલો પ્રમાણે યુએસમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૧૯૭૯૫૮૨૯, મૃતકાંક ૩૪૩૩૪૦ અને રિકવરી આંક ૧૧૭૦૧૦૨૯ થયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter