દુબઇઃ ઠંડી કે વરસાદના દિવસોમાં કોઇ આપણને મસ્તમજાની મસાલા ચાય ઓફર કરે અને આપણે તેનો એક ઘૂંટ ભરીએ કે તનબદનમાં કેવો ગરમાટો ફરી વળતો હોય છે...! બસ આવો જ ‘ગરમાટો’ તમે આ ચાનો ભાવ સાંભળીને અનુભવશો. હા, આ વાત છે દુબઇના કેફેમાં સર્વ થતી ચાની. અહીં એક કપ ચાની કિંમત છે 5 હજાર દિરહામ. અને ભારતીય ચલણમાં ગણો તો 1 લાખ 14 હજાર રૂપિયા!
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોમાં એક ઇન્ફ્લૂઅન્સર આ ચાનો ઘૂંટડો ભરતાં ભરતાં તેની ખાસિયત વર્ણવતા જોવા મળે છે. શુદ્ધ ચાંદીના કપ-રકાબીમાં આ ચાને સર્વ કરવામાં આવે છે, જેને 24 કેરેટ સોનાના વરખથી સજાવવામાં આવી હોય છે. એટલું જ નહીં, આ મોંઘેરી ચાની ચૂસ્કી સાથે ગોલ્ડ ડસ્ટથી સજાવેલા ક્રોઇસેંટ પણ સર્વ કરવામાં આવે છે. ઇન્ફ્લુઅન્સર વીડિયોમાં જણાવે છે તેમ ચા પીધા તમે ચાંદીનો કપ સાથે લઇ જઇ શકો છો.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ દુનિયાની સૌથી મોંઘી ‘ગોલ્ડ કડક’ ચા દુબઇના બોહો કેફે એન્ડ રેસ્ટોરાંમાં સર્વ કરવામાં આવે છે, જેને સુચેતા શર્મા નામની ભારતીય યુવતી ચલાવે છે. સોનાની ચાનો આ કન્સેપ્ટ પણ તેના જ ભેજાની નિપજ છે.
યૂઝર્સ દુબઇની આ ‘લાખેણી ચા’ના વીડિયો અંગે જાતભાતની કોમેન્ટ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું છે કે મેં ક્યારેય સપનાંમાં પણ વિચાર્યું નહોતું કે ભાઇ, ચા પીવા માટે લોનની વ્યવસ્થા કરવી પડશે. તો વળી બીજાએ લખ્યું હતું કે આ તો પૈસાની બરબાદી છે. જ્યારે ત્રીજાએ એવી કોમેન્ટ કરી હતી કે એક લાખ રૂપિયામાં તો આખો પરિવાર એક વર્ષ સુધી ચા પી શકે છે.