દુબઇમાં દુનિયાનું સૌથી મોટું અને સૌથી ઊંચુ ઓબ્ઝર્વેશન વ્હિલ ‘એન દુબઇ’ શરૂ થવાનું કાઉન્ડડાઉન શરૂ થઇ ગયું છે. આગામી ૨૧ ઓક્ટોમ્બરથી શરૂ થઇ રહેલા આ જાયન્ટ વ્હીલ માટે એડવાન્સ બુકિંગ શરૂ થઇ ગયું છે. આ વ્હિલ પરથી દુબઇને ૩૬૦ ડિગ્રીથી નિહાળી શકાશે. તેમાં ૪૮૦ કેબિન છે. એન દુબઇના જનરલ મેનેજર રોનાલ્ડ ડ્રેક કહે છે કે તેમાં ત્રણ પ્રકારનાં કેબિન હશે, જેમાં ઓબ્ઝર્વેશન, સોશિયલ અને પ્રાઇવેટનો સમાવેશ થાય છે. સોશિયલ કેબિનમાં ખાણી-પીણીની સુવિધા રહેશે. જ્યારે પ્રાઇવેટ કેબિનમાં બર્થ-ડે, મેરેજ-એન્ગેજમેન્ટ સહિતના પ્રસંગો યોજી શકાશે. દિવસના ચોવીસેય કલાક ચાલુ રહેનારા આ જાયન્ટ વ્હીલમાં સવાર થઇને દુબઇની નાઇટ લાઇફનો નજારો પણ જોઇ શકાશે તો સૂર્યાદય અને સૂર્યાસ્તની લ્હાવો પણ માણી શકાશે અને પાર્ટીની મજા માણી શકશે. જાયન્ટ વ્હીલમાં બેઠાં બેઠાં ભોજન કરવાથી માંડીને અને કોર્પોરેટર ઇવેન્ટ યોજવા સહિતના આયોજન અંગે ૧૯ પેકેજ બનાવાયા છે.
આ જાયન્ટ વ્હીલની કેટલીક રસપ્રદ આંકડાકીય માહિતી જોઇએ તો...
• ૨૫૦ મીટર ઊંચાઇ - એન દુબઇની ઊંચાઇ લંડન આઇથી બમણી છે • કેબિનમાં ૨ ડબલડેકર બસ જેટલી વિશાળ જગ્યા • નિર્માણમાં ૧૧ હજાર ટન સ્ટીલ વપરાયું છે, જે એફિલ ટાવરથી ૩૩ ટકા વધુ છે • ૩૮ મિનિટે ૧ ચક્કર પૂરું થશે, કુલ ૭૬ મિનિટ સુધી ફેરવશે • ૪૮ કેબિન છે, જેમાં એક વારમાં ૧૭૪૦ લોકો બેસી શકશે