દુબઈ: દુબઇમાં સૌથી મોંઘી નંબર પ્લેટની હરાજી થઇ છે. આમાં પણ P7 નંબર પ્લેટ તો એટલા ઊંચા ભાવે દામે વેચાઇ છે કે આટલી ૨કમમાંથી મુંબઇના પોશ વિસ્તારમાં એક કરતાં વધુ ફ્લેટ ખરીદી શકાય. દુબઈમાં મોસ્ટ નોબલ નંબર્સના ચેરિટી ઓક્શન દરમિયાન કારની નંબર પ્લેટ P7 વિક્રમજનક 5.5 કરોડ દિરહામ એટલે કે 123 કરોડ રૂપિયામાં વેચવામાં આવી હતી. હરાજીમાં આ નંબરની બોલી 1.5 કરોડ દિરહામથી થઈ હતી. થોડીક જ સેકન્ડમાં આ બોલીનો આંકડો વધતાં વધતાં ત્રણ કરોડ દિરહામ સુધી પહોંચી ગયો હતો. જોકે, 3.5 કરોડ દિહરામ પર જઈને આ બોલી થોડાક સમય માટે અટકી હતી. જોકે, ત્યારબાદ આ બોલી વધીને 5.5 કરોડ દિરહામ પર પહોંચી ગઈ હતી.
જુમૈરાની ફોર સિઝન્સ નામની હોટેલમાં થયેલા આ કાર્યક્રમમાં અન્ય વીઆઈપી નંબર પ્લેટ અને ફોન નંબરની પણ હરાજી કરાઈ હતી. ઓક્શન દ્વારા 10 કરોડ દિરહામ એકત્ર કરાયા હતા. જે રમઝાન દરમિયાન લોકોને ભોજન માટે આપવામાં આવશે. અમિરાત ઓક્શન, દુબઈની રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી અને ટેલિકોમ કંપનીઓ એતિસલાત તથા ડૂ દ્વારા આ ઓક્શનનું આયોજન કરાયું હતું. આ અગાઉ 2008માં એક ઉદ્યોગપતિએ અબુ ધાબીની નંબર 1 પ્લેટ માટે 5.22 કરોડ દિરહામની બોલી લગાવી હતી. આ ઓક્શનથી એકત્ર થયેલા નાણાં દુબઇના શાસક શેખ મોહમ્મદ બિન રશીદે ભૂખમરાની વૈશ્વિક સમસ્યાને નાબૂદ કરવાના ઉદ્દેશથી સ્થાપેલી વન બિલિયન મીલ્સ એન્ડોવમેન્ટ સંસ્થાને સોંપી દેવાશે.