દુબઇમાં વિશ્વનો સૌથી ઊડો સ્વિમિંગ પૂલ ખુલ્લો મૂકાયો છે. ૬૦ મીટર એટલે કે ૧૯૭ ફૂટ ઊંડા આ પૂલનો હેતુ પ્રવાસીઓ દુબઇમાં પણ સ્કૂબા અને ફ્રી ડ્રાઇવિંગની પણ મજા માણી શકે તે છે. ડીપ ડાઇવ દુબઇ નામના આ પૂલની થીમ સંકન સિટી (ડૂબતું શહેર) છે, જેમાં પ્રવાસીઓ ડાઇવરો દ્વારા આયોજિત સાઉન્ડ અને લાઇટ શોની મજા માણી શકશે. આ સ્વિમિંગ પૂલમાં ખરા અર્થમાં એક શહેર જેવી જ પ્રતિકૃતિ ઉભી કરાઇ છે. યુએઇ આવતા પ્રવાસીઓ માટે સૌથી મોટું આકર્ષણ દુબઇ શહેર છે, જ્યાં મોટા રણ પ્રદેશોની ગરમી વચ્ચે વિશાળ સ્નો પાર્ક, વોટર પાર્ક, સ્કી સ્લોપ, જાતભાતના એડવેન્ચર સ્પોર્ટસ જેવા ઢગલાબંધ આકર્ષણ છે. હવે તેમાં સ્વિમિંગ પૂલનું છોગું પણ ઉમેરાયું છે. છ ઓલિમ્પિક સ્વિમિંગ પુલ જેટલું કદ ધરાવતા છીપલા આકારના સ્વિમિંગ પૂલનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોડ્સમાં પણ નોંધાયું છે.