દુબઈઃ એક કંપનીએ એના એક કર્મચારીના પગારમાંથી ૧૦૮૦ અમેરિકી ડોલર કાપી લીધા એ પછી ૩૩ વર્ષના ભારતીય આઇટી પ્રોગ્રામરે ૧૫ ગ્રાહકોની વેબસાઇટ હેક કરી લેતાં એને ત્રણ વર્ષની કેદની સજા થઇ છે. શક્યતઃ ભારતીયનો દેશનિકાલ કરાશે. ગલ્ફ ન્યૂઝમાં જણાવાયું છે કે, દુબઇ કોર્ટ ઓફ ફર્સ્ટ ઇન્સ્ટન્સ દ્વારા ૧૬મીએ આ કર્મચારી પર વેબસાઇટ હેક કરવાનો અને ધમકી આપવાનો આરોપ મુકાયો હતો. વણઓળખાયેલા આ કર્મચારીને ત્રણ માસની જેલની સજા ફટકારાઇ છે, તે પછી તુરંત એેણે દુબઇમાંથી ઉચાળા ભરવા પડશે.
એક મીડિયા કંપનીમાં કોમ્પ્યુટર પ્રોગ્રામર તરીકે કામ કરતા ઉપરોક્ત કર્મચારીએ રાજીનામું આપ્યું એ પછી એના પગારમાંથી ૪૦૦૦ દિરહામ (૧૦૮૦ અમેરિકી ડોલર) કાપી લેવામાં આવ્યા હતા. આથી એણે એના ગ્રાહકોની વેબસાઇટને હેક કરવાની ધમકી આપી હતી.
આ કર્મચારીએ કંપનીના અન્ય પ્રોગ્રામર પર વ્હોટસએપ મેસેજ મોકલીને જણાવ્યું કે જો કંપની એના પગારમાંથી કાપી લેવાયેલા ૪૦૦૦ દિરહામ પાછા નહીં ચૂકવે તો એ વેબસાઇટને હેક કરશે.
કંપનીના માલિકે જણાવ્યું કે જો કર્મચારી પ્રોબેશન પીરિયડ પહેલાં રાજીનામું આપશે તો પગાર કપાનાર હોવાની એને જાણ કરાઇ હતી. પોલીસે કહ્યું કે આ કર્મચારીના પર્સનલ લેપટોપ પરથી મળેલી વિગતોથી ખાતરી થઇ કે એણે વેબસાઇટ હેક કરી છે, જેનો કર્મચારીએ ઇન્કાર કર્યો હતો.