દુબઈઃ ભારતીય યુવા ગિટારિસ્ટ હિમાંશુ શર્મા ઉર્ફે શેગી (ઉં ૨૨) ૧૪મીએ દુબઈમાં તેના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. હિમાંશુ દુબઈથી ૧૪ કિ.મી. દૂર ગરહુડમાં એક એપાર્ટમેન્ટમાં રહેતો હતો. પોલીસે કહ્યું હતું કે, તેના મૃતદેહને ફોરેન્સિક તપાસ માટે મોકલી અપાયો હતો. દુબઈના મીડિયાના અહેવાલોમાં જણાવાયું હતું કે, ફોરેન્સિક મેડિસિન્સના અહેવાલમાં કોઈ ગેરરીતિ જણાઈ નહોતી. વહીવટી પ્રક્રિયા પછી તેના મૃતદેહને તેના પરિવારને સોંપાવામાં આવશે તેવું પણ પોલીસે કહ્યું હતું.
શર્મા દુબઈની મણિપાલ એકેડમી ઓફ હાયર એજ્યુકેશનના દુહઈ કેમ્પસમાં આર્કિટેક્ટનો પાંચમા વર્ષનો ઈન્ટર્નશીપનો વિદ્યાર્થી હતો. તે દુબઈના એક સ્થાનિક બેન્ડમાં ગિટારિસ્ટ હતો. શેગી દુબઈ એકેડમી સિટીમાં ખૂબ જ લોકપ્રિય પણ હતો. તેની ગિટારિસ્ટ તરીકેની લોકપ્રિયતા પણ ઘણી હતી. એવું તેના એક સાથીદાર ગૌરવ મન્નાએ કહ્યું હતું. યુનિવર્સિટીએ આ કરુણ ઘટનાની જાણ પોલીસને કરી હતી. યુનિવર્સિટીમાં અમારા સૌના માટે આ એક મોટી આઘાતની ક્ષણ છે. અમે પણ આ મામલે વધુ સમાચારની રાહ જોઈ રહ્યા છીએ, એમ કેમ્પસના એક પ્રવક્તાએ કહ્યું હતું. તે કોલેજમાં ખૂબ જ લોકપ્રિય હતો.