દુબઈઃ અરેબિયન બાંધકામ શૈલી ધરાવતા દુબઈમાં બંધાઈ રહેલા ભવ્ય હિન્દુ મંદિરના દ્વાર શ્રદ્ધાળુઓ માટે ઓક્ટોબર, ૨૦૨૨માં દિવાળીની આસપાસ ખુલશે. જોકે ભારતીય મંદિર સ્થાપત્ય શાસ્ત્ર અને હિંદુ વાસ્તુશાસ્ત્ર મુજબ મંદિર તૈયાર થશે.
દુબઈના જેબેલ અલી વિસ્તારમાં ગુરુનાનક દરબારની પાસે આ મંદિર બંધાઈ રહ્યું છે. દુબઈમાં છેક ૧૯૫૦થી અસ્તિત્વ ધરાવતા અને યુનાઈટેડ આરબ એમિરેટ્સના સૌથી જૂના હિન્દુ મંદિરોમાંના એક એવા બનિયાઝ, બુર દુબઈમાંના સિંધિ ગુરુ દરબાર મંદિરનું આ વિસ્તરણ હશે. ૨૫૦૦૦ ચોરસ ફિટ જગ્યામાં નિર્માણ પામતા આ મંદિર માટે દોઢ અબજ રૂપિયા (૭.૫ કરોડ દિરહામ) વપરાશે. યુએઈ સ્થિત ભારતીય વેપારી અને સિંધિ ગુરુ દરબાર મંદિરના એક ટ્રસ્ટી રાજુ શ્રોફે કહ્યું કે, ફેબ્રુઆરી, ૨૦૨૦માં મંદિરનો શિલાન્યાસ થયો હતો. મંદિરના ભોંયરાનું માળખું તૈયાર થઈ ગયું છે. ધાર્મિક, સમાજિક, સાંસ્કૃતિક કાર્યક્રમો માટે મંદિર પરિસરમાં ૪૦૦૦ ચોરસ ફિટનો બેન્કવેટ હોલ પણ બનશે. આ મંદિરમાં ૧૧ હિન્દુ દેવી-દેવતાઓની પ્રાણપ્રતિષ્ઠા કરાશે.