જોહાનિસબર્ગઃ માનવીના નસીબ આડેથી પાંદડું ક્યારે ખસી જતું હોય તે કોઇ જાણતું નથી. આ વાતનું નવુંનક્કોર ઉદાહરણ દક્ષિણ આફ્રિકાના જોહાનીસબર્ગ શહેરમાં જોવા મળ્યું છે, જ્યાં એક યુવકની ગર્લફ્રેન્ડ તેને છોડીને જતી રહી. આ ભાઇ તો આખો દિવસ હેરાન-પરેશાન રહ્યા. ક્યાંય કોઇ વાતે મન લાગે જ નહીં. પરંતુ થોડાક જ કલાકોમાં તેની કિસ્મત બદલાઈ અને એ કરોડપતિ બની ગયો. પ્રેમી યુવકને ખુદને વિશ્વાસ નથી રહ્યો કે આ મુશ્કેલ સમયમાં અચાનક આટલી મોટી ખુશી તેને મળી જશે.
વાત એમ છે કે ૧૫મી જાન્યુઆરીએ જ્હોન નામના યુવકનું બ્રેકઅપ થયો હતો. જ્હોન તેની ગર્લફ્રેન્ડ સાથે લાંબા સમયથી લિવ-ઈનમાં રહેતો હતો. અચાનક પ્રેમિકા પોતાના પ્રેમીને છોડીને જતી રહેતા યુવકનો મૂડ બગડી ગયો હતો. હવે શું કરવું તેની કંઈ સૂઝ-સમજ પડતી નહોતી. કોઇ કામમાં મન પરોવાય તે ઇરાદે યુવકે પોતે ખરીદેલી લોટરીની ટિકિટનું શું રિઝલ્ટ આવ્યું છે તે ચેક કરવા લાગ્યો. આ સમયે તેને ખ્યાલ આવ્યો કે તે ૩ મિલિયન પાઉન્ડની લોટરી જીતી ગયો છે. યુવકને આ વાતમાં વિશ્વાસ જ ન પડ્યો. તે તરત બાથરૂમ ગયો, લાંબા સમય સુધી ઠંડા પાણીથી સ્નાન કરતો રહ્યો. ફરી એક વખત લોટરીની ટિકિટ ચેક કરી તો તેને પાક્કો ભરોસો થયો કે તેના સપના સાકાર થશે કેમ કે મોટો જેકપોટ લાગ્યો છે.
મીડિયા સાથે વાતચીત કરતાં જ્હોને કહ્યું હતું કે હજુ પણ મને વિશ્વાસ થતો નથી કે મને આટલી મોટી રકમની લોટરી લાગી છે. એક બ્રેકઅપ થવાથી હું પરેશાન હતો, પરંતુ હવે મારી તમામ મુશ્કેલીઓ દૂર થઈ જશે એવું લાગે છે.