કોચી: કેરળમાં 11 મહિલાઓના નસીબ ઉધાર લીધેલા નાણાંએ બદલી નાંખ્યા છે. આ મહિલાઓના નસીબ એવા ચમક્યા હતા કે તેઓ રાતોરાત કરોડપતિ બની ગઈ છે. જેમની પાસે થોડા અઠવાડિયા પહેલાં રૂ. 250ની લોટરીની ટિકિટ ખરીદવાના પણ નાણાં ન હતાં. આજે તેઓ 10 કરોડ રૂપિયાના માલિક બની ગયા છે.
કેરળની મહિલાઓએ ભાગીદારીમાં 250રૂપિયાની લોટરીની ટિકિટ ખરીદવાનું વિચાર્યું હતું, પરંતુ તેમની પાસે પર્સમાં જરૂરી 25 રૂપિયા પણ નહતાં. તેમાંની એક મહિલાએ પોતાનું નસીબ અજમાવવા માટે પોતાના સંબંધી પાસેથી આવી મામૂલી રકમ ઉધાર લીધી હતી. હવે કેરળના લોટરી વિભાગે આ મહિલાઓને 10 કરોડ રૂપિયાના મોન્સુન બમ્પરના વિજેતા ઘોષિત કર્યા છે.
કેરળના પરપ્પનંગડી મ્યુનિસિપાલિટી હેઠળ આવેલી હરિતા કર્મ સેનામાં કામ કરતી આ 11 મહિલાઓ કચરો વીણવાનું કામ કરી રહી હતી. આ મહિલાઓએ સપને પણ વિચાર્યું નહતું કે, તેઓ એક ઝટકામાં કરોડપતિ બની જશે. સાથી કર્મચારીઓ પાસેથી નાણાં ભેગા કરીને ટિકિટ ખરીદનાર રાધાએ કહ્યું કે, જીવનમાં પ્રથમ વાર તેણે કોઈ ઈનામ જીત્યું છે.
હરિતા કર્મ સેનાની મહિલાઓ પોતાના વિસ્તારમાંથી કચરો ઉઠાવે છે, જેને રિસાઈક્લિંગ માટે મોકલવામાં આવે છે. ઘણી મહિલાઓને ઘણા વર્ષોજૂના ઉધાર લીધેલા નાણા ચૂકવવાના છે, તો કોઈને પોતાની દીકરીના લગ્ન કરાવવાના છે. બમ્પર લોટરી વિજેતા મહિલાઓને અભિનંદન આપવા વિસ્તારના ગાર્ડનમાં અનેક લોકો ઉમટી પડ્યા હતાં.