• જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ત્રણ આતંકી ઠારઃ આતંકવાદી સંગઠન હિઝબુલ મુઝાહિદ્દીનના આતંકી સમીર ટાઈગર પુલવામા નજીકના ગામમાં છુપાયો હોવાની બાતમીના આધારે સૈન્યએ ઓપરેશન હાથ ધર્યું હતું. સૈન્ય આતંકી વચ્ચેના ગોળીબારમાં એક જવાન પણ શહીદ થયો હતો. ત્રણ આતંકીઓને ઠાર મારવામાં સૈન્ય સફળ થયું હતું.
• એનટીપીસી પ્લાન્ટમાં બોઇલર ફાટતાં ૧૨નાં મોતઃ ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (એનટીપીસી)ના ઉંચહાર પ્લાન્ટમાં ૩૧મી ઓક્ટબરે એક બોઈલર ફાટયા પછી લાગેલી આગમાં ૧૨નાં મૃત્યુ થયાં છે અને આશરે ૩૫૦થી વધુ કામદારો દાઝી ગયાના અહેવાલ છે. અનેકની હાલત ગંભીર ગણાવાઇ રહી છે તેથી મૃત્યુઆંકમાં વધારો થઈ શકે છે.
• સુરક્ષા પ્રધાન અરુણાચલ જતાં ચીન ભડક્યુંઃ સંરક્ષણપ્રધાન નિર્મલા સીતારમણના અરુણાચલ પ્રદેશના પ્રવાસ પર સોમવારે ચીને નારાજગી વ્યક્ત કરી છે. ચીને જણાવ્યું કે વિવાદાસ્પદ ક્ષેત્રમાં મુલાકાતો લેવી શાંતિમાં ખલેલ ઊભી કરશે. વિવાદ ઉકેલવા નવી દિલ્હીએ અનુકૂળ માહોલ બનાવવ જોઈએ. સીતારમણે રવિવારે સંરક્ષણ તૈયારીઓની સમીક્ષા કરવા ચીન - ભારત સરહદે આવેલા અંજો જિલ્લાની અંતરિયાળ સૈન્ય ચોકીઓની મુલાકાત લીધી હતી.
• બિહારના બેગુસરાયમાં ગંગા ઘાટ પર ભાગદોડ ચારનાં મોતઃ બિહારના બેગુસરાય જિલ્લામાં કાર્તિક પૂર્ણિમા પ્રસંગે ગંગામાં પવિત્ર ડૂબકી લગાવવા માટે હજારોની સંખ્યામાં લોકો સિમારિયા ઘાટ પર ચોથીએ સવારે ભાગદોડમાં ત્રણ વૃદ્ધાઓ સહિત ચારનાં મોત થયાં હતાં અને એક ડઝનથી વધુ લોકોને ઈજા પહોંચી હતી. બિહારના મુખ્ય પ્રધાન નીતિશકુમારે મૃતકોના પરિવારજનોને રૂપિયા ૪ લાખનાં વળતરની જાહેરાત કરી હતી.
• આઈએસનો આતંકી અબુ ઝૈદ પકડાયોઃ ઉત્તર પ્રદેશ એટીએસે યુવાનોને જેહાદી બનવા ઉશ્કેરનારા ઈસ્લામિક સ્ટેટનો આતંકી અબુ ઝૈદને ચોથીએ મુંબઈ એરપોર્ટ પરથી પકડી લીધો હતો. તેના ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈ ત્યાર બાદ તેને ઉત્તર પ્રદેશના લખનઉ લઈ જવાયો હતો. યુપી એટીએસએ એપ્રિલ ૨૦૧૭માં અન્ય એજન્સીઓની મદદ વડે એ ગ્રૂપના ચાર આતંકીઓ ઉંમર ઉર્ફે નાજિમ, ગાજી બાબા ઉર્ફે મુજમ્મિલ મુફ્તી ઉર્ફ ફૈઝાન તથા ઝકવાન ઉર્ફ ફૈઝાનની ધરપકડ કરી હતી.
• ગોરખપુરની હોસ્પિટલમાં ૩ દિવસમાં ૩૦ શિશુનાં મોતઃ ઉત્તર પ્રદેશના ગોરખપુરની બાબા રાઘવદાસ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં છેલ્લા ત્રણ દિવસમાં ઓછામાં ઓછા ૩૦ બાળકો માર્યા ગયા છે. પ્રાપ્ત અહેવાલોમાં જણાવ્યા મુજબ નીઓનટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ ખાતે ૧૫ બાળકોએ તેમના છેલ્લા શ્વાસ લીધા હતા જ્યારે હોસ્પિટલના પેડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટમાં અન્ય ૧૫ બાળકો મૃત્યુ પામ્યા છે.
• ઓસી. વડા પ્રધાનને નાગરિકતા પૂરવાર કરવા આદેશઃ ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન મેલ્કમ ટર્નબુલ અને સર્વે ૨૨૬ સાંસદોએ હવે પોતાની નાગરિકતાના પુરાવા આપવા પડશે તેમને પુરવાર કરવું પડશે કે તેઓ ઓસ્ટ્રેલિયા અને માત્ર ઓસ્ટ્રેલિયાના નાગરિક છે. પહેલી વાર દુનિયાના કોઈ દેશમાં સાંસદોની નાગરિકતા અંગે આવું સંકટ ઊભું થયું છે.
• વિયેતનામમાં ડેમરે ચક્રવાતમાં ૨૭નાં મૃત્યુઃ મધ્ય અને દક્ષિણ વિયેતનામ પર ચોથીએ ચક્રવાત ડેમરનું જોખમ આવતાં ૪૦ હજાર મકાનોને નુકસાન થયું હતું. આ વાવાઝોડાએ ૨૭ લોકોનો ભોગ લીધો છે અને ૨૨ લોકો લાપતા છે. વાવાઝોડાના કારણે ૬૨૬ મકાનો તો સંપૂર્ણપણે તૂટી ગયા હતા. વાવાઝોડાના કારણે ૩૦ હજાર લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા. વિયેતનામ પર આ વર્ષે ફુંકાયેલું આ ૧૨મું વાવાઝોડું છે.
• યુરોપમાં ઘૂસવાના પ્રયાસમાં હોડી ડૂબતાં ૨૩નાં મોતઃ યુરોપ જવાનો પ્રયાસ કરી રહેલા લોકોની નાનકડી હોડી પાંચમીએ ભુમધ્ય સમુદ્રમાં ડૂબી જતાં ૨૩ જણાના મોત થયા હતા, એમ યુરોપીયન યુનિયનના માઇગ્રેન્ટ વિરોધી ટાસ્ક ફોર્સે કહ્યું હતું. યુઇના નવફોર મેડે કહ્યું હતું કે, તેમની હોડી પાણીમાં ડૂબવા લાગતાં ૬૪ લોકોને બચાવી લેવાયા હતા.