ટેક્સાસઃ ૨૦૦૮થી ટેક્સાસના હ્યુસ્ટનમાં રહેતા પતિ પત્ની ન્યૂરોલોજિસ્ટ પંકજ સતીજા અને મોનિકા ઉમ્મતને ૨૪ કલાકની નોટિસ સાથે દેશનિકાલનો આદેશ અપાયો હતો. જોકે સતીજાને ૯૦ દિવસની રાહત અપાઈ હતી. અલબત્ત, પહેલી એપ્રિલે નવી દિલ્હીમાં સતીજાના ૭૫ વર્ષીય પિતાનું મૃત્યુ થયું છે અને તે પિતાના અંતિમસંસ્કાર માટે ભારત આવી શકશે નહીં. પિતા સાથે છેલ્લે ફેસટાઈમ એપ પર તેની વાત થઈ હતી. તેનાં પિતા અલ્ઝાઈમરના દર્દી હતા. ટેક્સાસમાં Pains and Headache Centresના CEO સતીજાની ભત્રીજી દિવ્યા નાગપાલે જણાવ્યું હતું કે, પંકજને પિતાની અંતિમવિધિમાં હાજર ન રહી શકવાનું બહુ દુઃખ છે. પરંતુ, તેમનું સ્ટેટસ બગડે એવું પગલું ન લેવાની સલાહ આપીએ છીએ. મોનિકા ઉમ્મત ચાઈલ્ડ એપીલેપ્સીના નિષ્ણાત છે. તેમના બે બાળકો રાલ્ફ (૭) અને ઝૂઈ (૪)નો જન્મ અમેરિકામાં થયો હતો. બંને પાસે ટેમ્પરરી વર્ક ઓથોરાઈઝેશન અને એડવાન્સ પેરોલ છે. જેમાં નોનઈમિગ્રન્ટ્સ વિદેશ જાય તો તેમને અમેરિકામાં ફરી પ્રવેશ મળે છે. સામાન્ય રીતે એડવાન્સ પેરોલ બે વર્ષ માટે અપાય છે. જોકે, સતીજા અને ઉમ્મતે ૨૦૧૬માં છેલ્લે અરજી કરી ત્યારે તેમના ડોક્યુમેન્ટ માત્ર એક વર્ષ માટે મંજૂર કરાયા હતા. દંપતીને તરત તેની ખબર પડી નહોતી, પણ ઓક્ટોબર, ૨૦૧૬માં સતીજાના પિતાની સારસંભાળ માટે ભારત ગયા હતા ત્યાંથી પાછા ફરતી વખતે કસ્ટમ્સ એન્ડ બોર્ડર પેટ્રોલ એજન્ટના ધ્યાનમાં આવ્યું હતું કે તેમના એડવાન્સ પેરોલ પૂરા થઈ ગયા હતા.
ડિફર્ડ ઈન્સ્પેક્શનની પ્રોસેસ હેઠળ તેઓ એડવાન્સ પેરોલ માટે નવેસરથી અરજી કરી શકે તેમ હોવાથી તેમણે અરજી કરી હતી પણ તેને નકારીને તેમને ૨૪ કલાકમાં દેશનિકાલની નોટિસ અપાઈ હતી. આખી રાત સામાન પેક કરીને સવારે તેઓ બાળકો સાથે એરપોર્ટ પહોંચ્યા ત્યારે જણાવાયું હતું કે તેમને ૯૦ દિવસની રાહત અપાઈ છે.