• કર્ણાટકમાં લિંગાયત ગુરુનું કોંગ્રેસને સમર્થનઃ કર્ણાટકમાં ચૂંટણી પહેલાં ભાજપની મતબેન્ક પર તરાપ મારવા કોંગ્રસનો લિંગાયત દાવ સફળ થઈ રહ્યો હોવાનું જોવા મળે છે. મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાએ લિંગાયત સમુદાયને અલગ ધર્મનો દરજ્જો આપવા થયેલી ભલામણને મંજૂરી ઈપી દેતાં કર્ણાટક જ નહીં પણ દેશના રાજકારણમાં હલચલ મચી ગઈ હતી. કેન્દ્ર સરકારે હજી આ મુદ્દે નિર્ણય લેવાની બાકી છે. તે દરમિયાન લિંગાયત સમુદાયના ૩૦ જેટલા પ્રભાવતી ધર્મગુરુએ કર કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાને સમર્થન આપવાની વાત કરી છે.
• ભાજપ સાથે શિવસેનાની યુતિ નહીંના સંકેતઃ શિવસેના અમારી જોડે રહે એવી અમારી ઇચ્છા છે એમ જણાવતા મૈત્રીનો હાથ આગળ કરનાર ભાજપને શિવસેનાએ ફટકાર આપી છે. શિવસેનાનો વાઘ પાંજરાનો વાઘ ન હોઈ એ રાજ્યના અને રાષ્ટ્રની સમસ્યાઓ પર ગર્જના કરી રહ્યો છે. વાઘને રોકવો અથવા પાળવો હવે શક્ય નથી એમ સ્પષ્ટ કરતાં ભાજપ સાથે યુતિ ન કરવાના સંકેત શિવસેનાએ આપ્યા હતા. ભાજપના સ્થાપના દિન નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં આવેલા ભાજપ અધ્યક્ષ અમિત શાહે શિવસેના સાથે યુતિ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
• હાફિઝનાં જેયુડી પર પ્રતિબંધની શક્યતા: સંયુક્ત રાષ્ટ્ર દ્વારા હાફિઝ સઈદ અને ડોન દાઉદ ઈબ્રાહિમ સહિત પાકિસ્તાનમાં આશરો લઈ રહેલા ખૂંખાર આતંકવાદીઓની યાદી બહાર પાડ્યા પછી અને અમેરિકાએ આતંકીઓનો પાક.ની ધરતી પરથી સફાયો કરવાની ફરી ધમકી આપવાથી ફફડી ગયેલા પાકિસ્તાને હવે હાફિઝ સઈદ અને તેનાં આતંકી સંગઠન જમાત – ઉદ -દાવા પર કાયમી પ્રતિબંધ લાદવાની પ્રક્રિયા શરૂ કરી છે. પાક.માં ચાલી રહેલા અન્ય આતંકી સંગઠનો પર પણ આવો પ્રતિબંધ લાદવામાં આવી રહ્યાનાં અહેવાલો છે. બ્લેક લિસ્ટ થવાના ડરથી પાકિસ્તાન ડરી ગયું છે અને એન્ટિ ટેરરિઝમ એક્ટ ૧૯૯૭માં સુધારા કરવા સંસદમાં બિલ રજૂ કરવા હિલચાલ હાથ ધરી છે. સંયુક્ત રાષ્ટ્રે હાફિઝ સઇદને આતંકવાદી જાહેર કર્યા બાદ પણ પાકિસ્તાને તેને પોષવાનું ચાલુ રાખ્યું છે. લાહોર હાઇ કોર્ટે પાકિસ્તાન સરકારને આદેશ કર્યો છે કે હાફિઝ તેની ‘સામાજિક કલ્યાણની પ્રવૃત્તિઓ' ચાલુ રાખી શકે તે માટે તેને હેરાન નહિ કરવામાં આવે. તેણે સરકારને નોટિસ પાઠવીને ૨૪ એપ્રિલ સુધી જવાબ આપવા પણ કહ્યું છે.
• યુએનમાં પાકિસ્તાનો ફરી કાશ્મીર રાગઃ પાકિસ્તાને તાજેતરમાં ફરી કાશ્મીરને હાથો બનાવીને સંયુક્ત રાષ્ટ્રમાં ભારત પર આક્ષેપો કર્યાં છે. પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રમાં ભારત સામે આક્ષેપ કરતાં દાવો કર્યો હતો કે કાશ્મીરમાં હાલ હિંસાત્મક સ્થિતિ છે અને માનવ અધિકારોનો ભંગ કરાઈ રહ્યો છે. જગજાહેર છે કે કાશ્મીરમાં સૌથી વધુ હિંસા પાકિસ્તાન જ ફેલાવી રહ્યું છે. અહીં પાકિસ્તાન આતંકીઓને તૈયાર કરીને આ ઉપરાંત અલગાવવાદીઓને પૈસા મોકલીને હિંસાત્મક વાતાવરણ ઊભું કરી રહ્યું છે.
• પાકિસ્તાનમાં પ્રથમ ટ્રાન્સજેન્ડર સ્કૂલ ખૂલશેઃ
ટ્રાન્સજેન્ડર માટે પાકિસ્તાનમાં શૈક્ષણિક અને વ્યવસાયિક ટ્રેનિંગ માટે પ્રથમ સ્કૂલ ખૂલશે. ૧૫મી એપ્રિલે લાહોરમાં જેન્ડર ગાર્જિયન સ્કૂલનો શુભારંભ કરાશે. સ્કૂલમાં ફેશન ડિઝાઇનિંગ, બ્યુટિફિશિયન અને હેરસ્ટાઇલિંગ કોર્સ, ગ્રાફિક ડિઝાઇનિંગ, કમ્પ્યૂટર અને મોબાઈલ રિપેરિંગ માટે ક્રેશ કોર્સની વ્યવસ્થા કરાશે. તેમાં પ્રાથમિક, મેટ્રિક અને સ્નાતક સ્તરના વર્ગની અલગ અલગ વિંગ હશે. સંસ્થાપક ઓસિફ શહેજાદે જણાવ્યું કે ૧૫ ફેકલ્ટીમાંથી ૩ ટ્રાન્સજેન્ડર છે.
•રાજકોટના કોર્પોરેટરની ધરપકડ બાદ મુક્તિઃ ભાવનગર રોડ પર રાજકોટ મહાપાલિકાની ઝોનલ ઓફિસ પાસે આવેલી સિલ્વર નેસ્ટ સોસાયટીમાં રહેતા પ્રૌઢ ભરવાડ દિનેશભાઈ કિશોરભાઈ રાઠોડે તેના ભાઈ અને ભાજપના કોર્પોરેટર અનિલ રાઠોડ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે અનિલ રાઠોડે તેમને તથા તેમના પુત્ર જીજ્ઞેશને તાજેતરમાં ઝઘડો કરીને અને મારી નાંખવાની ધમકી આપી છે. ઘોરાળા પોલીસે ગુનો નોંધીને અનિલ કિશોરભાઈ રાઠોડની ધરપકડ કરી હતી. કોર્પોરેટરની મુક્તિ તો થઈ છે, પરંતુ આ કેસમાં તપાસ જારી હોવાનું પોલીસે કહ્યું છે.