દહેરાદૂન: આપણામાંથી ઘણાએ દાદા-દાદીની વાર્તાઓ સાંભળી હશે પણ હરિયાણાના ચરખી દાદરીમાં રહેતાં 106 વર્ષનાં દાદી રામબાઈ પોતે જ દંતકથા સમાન છે. શું કામ ખબર છે!? આ દાદીમાએ 100 અને 200 મીટરની દોડમાં ગોલ્ડ મેડલ મેળવ્યા છે.
વાત એમ છે કે રામબાઈ માત્ર સ્પ્રિન્ટ એથ્લિટ છે. બે વર્ષ પહેલાં તેમણે 104 વર્ષની ઉંમરે 100 મીટરની દોડમાં વિશ્વ વિક્રમ સર્જ્યો હતો. હવે દહેરાદૂનમાં યોજાયેલી 18મી નેશનલ ઓપન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 100 મીટર, 200 મીટર અને શોટપુટમાં 3 ગોલ્ડ મેડલ જીત્યાં છે.
85 વર્ષથી વધુ ઉંમરના લોકોની કેટેગરીમાં તેમણે ત્રણેય સ્પર્ધામાં રામબાઈએ સર્વોચ્ચ સ્થાન મેળવ્યું હતું. રામબાઈએ બે વર્ષમાં જ 14 સ્પર્ધામાં 200 મેડલ જીત્યાં છે. દૂન સ્પોર્ટ્સમાં ૩-૩ ગોલ્ડ જીત્યાં પછી રામબાઈ ‘હું ખુશ છું’ માત્ર એટલું જ બોલીને સ્ટેજ પરથી નીચે ઊતરી ગયાં હતાં. તેમણે આ પ્રસંગે ઇચ્છા વ્યક્ત કરી હતી કે, ‘જેમને જરૂર હોય તેમને મારા પગ આપી દો.’
2016માં પંજાબનાં 100 વર્ષીય માન કૌરે વાનકુંવરમાં અમેરિકન માસ્ટર્સ ગેમમાં 100 મીટર સ્પ્રિન્ટમાં 1મિનિટ અને 21 સેકન્ડમાં દોડ પૂરી કરીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. બસ ત્યારથી રામબાઈને એથ્લેટિક્સનો ચસકો લાગ્યો હતો. તેમની ઉંમરને કારણે પરિવારને તેમનો આ નિર્ણય પસંદ નહોતો આવ્યો.