ન્યૂ યોર્કઃ ખુશહાલ દેશોના ગ્લોબલ રેન્કિંગમાં ડેન્માર્કે ટોચનું સ્થાન મેળવ્યું છે જ્યારે ભારતની સ્થિતિમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી. આથી ઉલ્ટું ખુશ રાષ્ટ્રોની ૧૫૬ દેશોની યાદીમાં ભારત ગયા વર્ષના મુકાબલે એક રેન્ક પાછળ ધકેલાઇને ૧૧૮મા સ્થાને પહોંચ્યું છે. યાદીમાં ભારત ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ કરતાં પણ પાછળ છે. જ્યારે બ્રિટન આ યાદીમાં ૨૩મા ક્રમે છે.
આ રેન્કિંગમાં ડેન્માર્ક સ્વિત્ઝર્લેન્ડને પાછળ રાખીને ટોચના સ્થાને પહોંચી ગયું છે. યુનાઇટેડ નેશન્સ (યુએન)ના એક નેટવર્ક દ્વારા 'ધ વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ' તૈયાર કરાયો છે. અહેવાલમાં પ્રતિ વ્યક્તિ ઘરેલુ ઉત્પાદન, જીવનની સંભાવના, સામાજિક સમર્થન અને જીવનની સ્વતંત્રતા જેવા માપદંડોને આધારે આ અહેવાલ તૈયાર થાય છે.
યાદીમાં સ્વિત્ઝર્લેન્ડ બીજા સ્થાને, આઇસલેન્ડ ત્રીજા સ્થાને, નોર્વે ચોથા સ્થાને અને ફિનલેન્ડ પાંચમા સ્થાને છે. વર્ષ ૨૦૧૫માં ભારત ૧૧૭મા સ્થાને હતો, પરંતુ આ વર્ષે તે એક ક્રમ નીચું ઉતરીને ૧૧૮મા સ્થાને પહોંચી ગયું છે. અહેવાલમાં વધુ કહેવામાં આવ્યું છે કે જેમના ખુશી અંગેના માપદંડોનું સ્તર નીચું આવ્યું હોય તેવા દેશોની યાદીમાં ભારતનો સમાવેશ થાય છે.
યાદીમાં ભારત ૧૧૮મા સ્થાને છે, પરંતુ સોમાલિયા (૭૬), ચીન (૮૩), પાકિસ્તાન (૯૨), ઇરાન (૧૦૫) અને બાંગ્લાદેશ (૧૧૦)મા સ્થાને છે. આ તમામ દેશો કરતાં ભારત પાછળ છે. વર્લ્ડ હેપીનેસ ડે (૨૦ માર્ચ) પહેલાં આ યાદી જાહેર કરી છે, જોકે રવાન્ડા, ટોગો, સીરિયા અને બુરુંડી જેવા દેશોમાં ખુશીનું સ્તર સૌથી નીચે છે.
હેપીનેસ રેન્કિંગમાં ટોપ-૧૦
(૧) ડેન્માર્ક (૨) સ્વીત્ઝર્લેન્ડ (૩) આઇસલેન્ડ (૪) નોર્વે (૫) ફિનલેન્ડ (૬) કેનેડા (૭) નેધરલેન્ડ્સ (૮) ન્યૂ ઝીલેન્ડ (૯) ઓસ્ટ્રેલિયા (૧૦) સ્વીડન
હેપીનેસ રેન્કિંગમાં લાસ્ટ-૫
(૧૫૩) બેનિન (૧૫૪) અફઘાનિસ્તાન (૧૫૫) ટોગો (૧૫૬) સીરિયા (૧૫૭) બુરુન્ડી