સ્ટોકહોમઃ તમે એવા તો ઘણા મ્યુઝિયમ જોયા હશે જ્યાં ઐતિહાસિક મહત્ત્વ ધરાવતી, સિદ્ધ-સફળતાના ગુણગાન ગાતી ચીજવસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી હોય. પરંતુ સ્વીડનનું આ મ્યુઝિયમ અનોખું છે. અહીં નિષ્ફળતાને પ્રદર્શિત કરવામાં આવી છે એમ પણ તમે કહી શકો. આ સ્થાનનું નામ છેઃ ‘મ્યુઝિયમ ઓફ ફેલ્યોર’ છે.
અહીં ઈનોવેશનની દુનિયાના ૭૦ સૌથી નિષ્ફળ પ્રોડક્ટનો સંગ્રહ પ્રદર્શિત કરવામાં આવ્યો છે. ક્લિનિકલ સાઇકોલોજિસ્ટ સેમ્યુઅલ વેસ્ટ તેના ફાઉન્ડર છે. ગયા પખવાડિયે ખુલ્લા મૂકાયેલા આ મ્યુઝિયમમાં એવી પ્રોડક્ટ છે જેને કાં તો સમય પહેલા બનાવી લેવામાં આવી હતી અથવા તો તેને બનાવવાનો આઇડિયા જ ખરાબ હતો.
દુનિયાની સૌથી ઇનોવેટિવ કંપની તરીકે નામના ધરાવતી ગુગલ અને એપલની બે પ્રોડક્ટ પણ આ મ્યુઝિયમમાં પ્રદર્શિત થઇ છે. આ છે ગુગલ ગ્લાસ અને એપલની ન્યૂટન ઓપરેટિંગ સિસ્ટમ. સ્થાપક સેમ્યુઅલ વેસ્ટ કહે છે કે ગુગલ અને એપલ નિષ્ફળતાના પર્યાય નથી, પરંતુ ઇનોવેશનનો બિઝનેસ જોખમભર્યો છે. તેમાં કંઈ પણ શક્ય હોય છે. લગભગ ૮૦-૯૦ ટકા ઇનોવેશનવાળી પ્રોડક્ટ નિષ્ફળ થઈ જાય છે. તમે આવી ચીજવસ્તુને ભાગ્યે જ જોઇ શકો છો. લોકો પણ તેના વિશે ચર્ચા નથી કરતા, પરંતુ તેના વિશે જાણવું ખૂબ જ જરૂરી હોય છે. આપણે આ નિષ્ફળતાઓથી ઘણું બધું શીખતા હોઇએ છીએ.
સેમ્યુઅલ વેસ્ટ કહે છે કે આપણે ફક્ત ગુગલ અને એપલની જંગી સફળતા વિશે જ સાંભળ્યું છે. પરંતુ ઘણા લોકો એ નથી જાણતા કે આ જ એપલે ૧૯૮૭માં ડિજિટલ મદદ માટે ન્યૂટન ઓપરેટિંગ સિસ્ટમ વિકસાવી હતી. ગાઇવગાડીને દાવો કરવામાં આવ્યો હતો કે આ સિસ્ટમ તમારા હેન્ડરાઇટિંગ ઓળખી શકે છે. પણ તેનું પરફોર્મન્સ જરા પણ એવું નહોતું, જે પ્રકારે દાવો કરવામાં આવ્યો હતો. આ ડિવાઇસ ૧૯૯૩માં બજારમાં આવ્યું હતું. જોકે ખૂબ જ ખરાબ પરફોર્મન્સ બાદ કંપનીના ફાઉન્ડર સ્ટિવ જોબ્સને આ પ્રોડક્ટ બજારમાંથી પરત ખેંચી લેવાની ફરજ પડી હતી.
આ જ રીતે ગુગલ ગ્લાસ કંપની માટે એક મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ હતો. કંપનીએ તેની પાછળ લાખો-કરોડો ડોલરનું ઇનવેસ્ટમેન્ટ કર્યું. ગુગલ ગ્લાસની કિંમત ૧૫૦૦ ડોલર રાખવામાં આવી હતી. તેમાં કેમેરા ઇન-બિલ્ટ હતો. આ ડિવાઇસે લોકોની પ્રાઇવસી અને સુરક્ષાને જોખમમાં મૂકી દીધી. કંપની આખરે પ્રોડક્ટ પાછી ખેંચવા મજબૂર થઈ ગઇ હતી. હવે આ ડિવાઇસનો ઉપયોગ ફક્ત મેડિકલ ઇન્ડસ્ટ્રી સુધી જ મર્યાદિત છે.
આ યાદીમાં નોકિયા અને એન-ગેજ ડિવાઇસ, ઓરવિટોક્લાસ્ટ લોબોટોમી (મેડિકલ ડિવાઇસ), હાર્લે ડેવિડસન પરફ્યુમ, કોડક ડિજિટલ કેમેરા, સોની બેટામેક્સ અને લીગો ફાઇબર ઓપ્ટિક્સ જેવી પ્રોડક્ટ્સ પણ સામેલ છે.
આ મ્યુઝિયમમાં ટ્રમ્પ ધી ગેમ પણ પ્રદર્શિત કરવામાં આવી છે. ૧૯૮૯માં આવેલી આ ગેમ ખૂબ ખરાબ રીતે ફ્લોપ સાબિત થઈ હતી. આ જ રીતે બજારમાં સાવ નિષ્ફળ ગયેલી કોકા-કોલાની એક પ્રોડક્ટ પણ અહીં છે. કોકા કોલાની આ સોફ્ટ ડ્રિન્ક પ્રોડક્ટનું નામ છેઃ કોલા બ્લેક. ૨૦૦૬માં કોફી ફ્લેવર્ડમાં આ પ્રોડક્ટ બજારમાં આવી હતી, પણ લોકોને તેનો ટેસ્ટ પસંદ પડ્યો જ નહીં. સફળતા માટે બે વર્ષ મથામણ કર્યા બાદ પ્રોડક્ટ બંધ કરી દેવામાં આવી હતી.