લંડનઃ કેન્યાની નકુરુ કાઉન્ટીના સોલાઈ ટાઉનમાં ગયા મે મહિનામાં તૂટી પડેલો પટેલ ડેમ ગેરકાયદે બાંધવામાં આવ્યો હોવાનું વોટર રિસોર્સીસ મેનેજમેન્ટ ઓથોરિટી (Warma)ના પ્રવક્તા એલિઝાબેથ લુવોંગાએ જણાવ્યું હતું. આ દુર્ઘટનામાં ૪૫થી વધુ લોકો માર્યા ગયા હતા. સોલાઈ નજીકના ફાર્મ પાસે આવેલા સંખ્યાબંધ ડેમ પૈકીનો આ એક ડેમ હતો. જોકે, તેમાંથી કોઈની પણ પાસે પરવાનગી ન હતી. ફાર્મના જનરલ મેનેજર વિનોજ કુમારે કશું ખોટું કર્યું હોવાનો ઈન્કાર કરતા જણાવ્યું હતું કે આ તમામ ડેમ ૧૫થી ૨૦ વર્ષ પહેલા બંધાયા હતા અને તેમાં કશું ગેરકાયદેસર નથી.
મૃત્યુઆંક વધવાની દહેશત વચ્ચે લાપતા થયેલા ડઝનબંધ લોકોની શોધખોળ હાથ ધરાઈ હતી. રિજનલ પોલીસ કમાન્ડરે ૪૫ લોકોના મોત થયા હોવાનું જણાવ્યું હતું. પોલીસે અગાઉ જણાવ્યું હતું કે પીડિતો પૈકી અડધાથી વધુ બાળકો હતા. આ દુર્ઘટનાનું કારણ અને તેને માટે કોણ જવાબદાર છે તેના અહેવાલ સાથે તપાસ માટે આદેશ અપાયા હતા.
આ ડેમ રાત્રે નવ વાગે તૂટ્યો હતો અને ડેમનું પાણી નીચે આવેલા મકાનો તરફ ધસી ગયું હતું. લોકો જીવ બચાવવા માટે મકાનો છોડીને નાસી છૂટ્યા હતા. પાણીની દીવાલ દોઢ મીટર ઉંચી અને ૫૦૦ મીટર પહોળી હતી. પ્રાઈમરી સ્કૂલ અને વીજળીની લાઈનો સહિત તેના રસ્તામાં જે પણ આવ્યું તેનો પાણીએ નાશ કર્યો હતો.