બોલિવિયાઃ સધર્ન અમેરિકાના બોલિવિયામાં એક અનોખી હોટેલ ધમધમે છે, જે સંપૂર્ણપણે મીઠાથી બનેલી છે. એટલું જ નહીં, તેનું ફર્નિચર પણ મીઠામાંથી બનેલું છે. સ્વાભાવિક છે કે આ પ્રકારની દુનિયાની પહેલી તથા એકમાત્ર હોટેલ છે અને તેનું નામ છે હોટ પૈલાસિયો ડી’ સાલ છે. આ શાનદાર હોટેલને મીઠાના મહેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. દુનિયાના સૌથી મોટા મીઠાના મેદાન તરીકેની ઓળખ ધરાવતા સાલાર ડિ ઉઈયુનીના કિનારે આ હોટેલનું નિર્માણ થયેલું છે. મીઠાના અગર વચ્ચે તેનું નિર્માણ થયું હોવા છતાં આ એક લક્ઝરી હોટેલ છે.
આ હોટેલનું એક દિવસનું ભાડું આશરે 300 પાઉન્ડ છે. હોટેલના રૂમમાં બેઠાં બેઠાં તમને મીઠાના રણનો નજારો માણવા મળે છે. હોટેલ સ્ટાફ કહે છે કે અહીં મુકામ કરનારા મહેમાન ખૂબ ખુશ જોવા મળે છે. કેટલાક પર્યટક તો ઘણીવાર દીવાલ કે ફર્નિચરને ચાખીને ચેક કરે છે કે બધું મીઠામાંથી બનેલું જ છે ને...! આ બધું હોટેલ ક્ષેત્રે સાથે સંકળાયેલા જુઆન વેસાડા વાલ્ડાએ બનાવડાવ્યું હતું. તેઓ કહે છે કે શરૂઆતમાં તો લોકોએ આ આઈડિયાનો વિરોધ કર્યો હતો, લોકોનું કહેવું હતું કે આવી હોટેલમાં કોઈ રોકાવા માટે નહીં આવે, પણ તેનાથી વિપરીત થયું છે. આ નોખી અનોખી હોટેલમાં રોકાણ માટે પ્રવાસીઓ સતત આવતા રહે છે.
મેન્યુમાં પણ માત્ર નમકીન વ્યંજન
આ હોટેલની અંદરના પીલર અને દીવાલો તો મીઠાની ઈંટોમાંથી જ બનેલાં છે, પણ હોટેલના ફર્નિચર માટે પણ લાકડાનો ઉપયોગ નથી કરાયો. તેને પણ મીઠાના બ્લોક્માંથી બનાવાયા છે. હોટેલના સોફા અને મીઠામાંથી બનેલો બેડ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. આટલું બધું મીઠામાંથી બનેલું હોય તો પછી મેન્યુ કેમ બાકી રહે?!આ હોટેલમાં ભોજનમાં પણ માત્ર નમકીન વ્યંજનો જ સર્વ થાય છે. અહીં સ્પા માટે પણ સોલ્ટ વોટરનો ઉપયોગ કરાય છે, જેમાં વ્યક્તિને મીઠાના ઢગલા પર અને ખારા પાણીથી સ્પા અપાય છે. તેના દરેક રૂમમાં મીઠાની ઈંટોથી બનેલી એક અનોખી ગુંબજદાર છત છે, અને તેના પર પણ મીઠાનું બારીક પડ ચઢાવાયું છે.