કેન્યા ખાતે ભારતના હાઇ કમિશનર તરીકે નમગ્યા સી ખામ્પાની નિયુક્તિ કરાઇ છે. નામગ્યા હાલ કાઠમંડુ ખાતે ભારતીય દૂતાવાસમાં ડેપ્યુટી ચીફ ઓફ મિશન તરીકે સેવા આપી રહ્યાં છે. ભારતના વિદેશ મંત્રાલયે આ નિયુક્તિના અહેવાલોને સમર્થન આપ્યું છે. ભારત અને કેન્યાના નેતાઓની નિયમિત મુલાકાતો, વેપાર અને મૂડીરોકાણમાં વધારાના પગલે સમકાલિન સંબંધો હવે મજબૂત અને બહુપક્ષીય ભાગીદારીમાં પરિવર્તિત થઇ રહ્યાં છે.
નમગ્યા ખામ્પા વર્ષ 2000માં ભારતીય વિદેશ સેવામાં જોડાયા હતા. તેઓ વર્ષ 2002-2006 અને 2013-2016 એમ બે વાર ચીન ખાતેના ભારતના રાજદ્વારી મિશન ખાતે સેવાઓ આપી ચૂક્યા છે. તેમણે 2009થી 2013 સુધી ન્યૂયોર્ક સ્થિત સંયુક્ત રાષ્ટ્રમાંના ભારતના પર્મેનેન્ટ મિશન ખાતે સેવા આપી હતી. આ સમયગાળા દરમિયાન 2011થી 2013 સુધીની મુદત માટે તેમની પસંદગી સંયુક્ત રાષ્ટ્રની એડમિનિસ્ટ્રેટિવ એન્ડ બજેટરી ક્વેશ્ચન્સ કમિટીના સભ્ય તરીકે થઇ હતી. તેમણે ન્યૂયોર્કમાંના તેમના કાર્યકાળ દરમિયાન UNDP and UNFPA ના એક્ઝિક્યુટિવ બોર્ડમાં ભારતના પ્રતિનિધિ તરીકે સેવાઓ આપી હતી. 2016થી 2018 વચ્ચે તેમને વડાપ્રધાન કચેરીમાં ડેપ્યુટેશન પર નિયુક્ત કરાયા હતા. તેઓ વિદેશ મંત્રાલયમાં ઇન્ડિયન ગ્રાન્ટ આસિસ્ટન્સ અને પાડોશી દેશો સાથેના વિકાસ સહકારના મામલાઓ જોતા ડેવલપમેન્ટ પાર્ટનરશિપ ડિવિઝનના વડા તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. જુલાઇ 2020માં તેમણે કાઠમંડુમાં ભારતીય દૂતાવાસના ડેપ્યુટી ચીફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. નમગ્યા ખામ્પા આંતરરાષ્ટ્રીય સંબંધોમાં એમ.ફિલ અને અનુસ્નાતક પદવી ધરાવે છે.
ડાબરના ચેરમેન પદે મોહિત બર્મન
ડાબર ઇન્ડિયાના બોર્ડે કંપનીના ચેરમેનપદેથી અમિત બર્મનના રાજીનામાનો સ્વીકાર કર્યો છે. હવે તેઓ કંપનીના નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કામગીરી ચાલુ રાખશે. તેમના સ્થાને મોહિત બર્મનની કંપની બોર્ડના નોન એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે પાંચ વર્ષ માટે નિયુક્તિ કરાઇ છે. સાકેત બર્મનની બોર્ડ ઓફ ડિરેક્ટર્સના નોન એક્ઝિક્યુટિવ વાઇસ ચેરમેન તરીકે નિયુક્તિ કરાઇ છે.
એનસીએના ડિરેક્ટર જનરલ પદે બિગર
ગ્રેએમી બિગરની નેશનલ ક્રાઇમ એજન્સી (એનસીએ)ના ડિરેક્ટર જનરલ તરીકે નિયુક્તિ કરાઇ છે. ઓક્ટોબર 2021થી નેશનલ ક્રાઇમ એજન્સીનું નેતૃત્વ હંગામી ધોરણે બિગર કરી રહ્યાં હતા પરંતુ હવે તેઓ કાયમી ધોરણે નેતૃત્વ સંભાળશે. હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે આ અંગેની જાહેરાત કરી હતી. તેમની કચેરીએ જણાવ્યું હતું કે, બિગર ક્રુર સાયબર અપરાધીઓ અને માદક દ્રવ્યો, ગેરકાયદેસર શસ્ત્રો અને ખંડણીખોરોને ઝડપી લેવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.