સાન્તા ક્લેરા: કાઉન્ટીના બોર્ડ ઓફ સુપરવાઈઝર્સ દ્વારા નરેન્દ્ર પાઠકને ત્રીજી વખત કમિશનર ઓફ હ્યુમન રિલેશન્સ કમિશનમાં નિયુક્ત કરાયા છે. પાઠકે ૨૦૨૧માં પૂર્ણ થનારી ત્રીજી મુદત માટે શપથ લીધા હતા.
ગુજરાતના કરમસદના મૂળ વતની નરેન્દ્ર પાઠક ઈકોનોમિક્સમાં બેચલર્સ ડિગ્રી ઉપરાંત, લેબર લોઝ અને ક્રિમિનલ લોઝમાં કાયદાની ડિગ્રીઓ ધરાવે છે. તેમણે USA & Santa Clara County Gov 101 Academy માંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. તેઓ વર્તમાન અને સંભવિત પ્રોગ્રામ્સ અને નીતિઓ સંબંધે સલાહ આપવા ઉપરાંત, કમ્યુનિટી ડેવલપમેન્ટ, હ્યુમન રાઈટ્સ તથા અન્ય મુદ્દાઓ સંબંધિત બહારના ગ્રૂપ્સને પણ સલાહસૂચન આપશે. હ્યુમન રિલેશન્સ કમિશનના ૧૫ કમિશનર્સ કાઉન્ટી તેમજ ન્યાય, સામાજિક મુદ્દાઓ, શાંતિનિર્માણ, ઈમિગ્રેશન મુદ્દાઓ, માનવ અધિકારો, ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ, જેલ નિરીક્ષણ પ્રોગ્રામ, ડેથ પેનલ્ટી સિસ્ટમ, ઈમિગ્રન્ટ રિલેશન્સ અને ઈન્ટીગ્રેશન સર્વિસિસ, હેટ ક્રાઈમ્સ તથા અન્ય બાબતોના બોર્ડ ઓફ સુપરવાઈઝર્સને સલાહકારી સંસ્થાની કામગીરી બજાવે છે.
પાઠક કમ્યુનિટી સેવામાં પણ સંકળાયેલા છે. તેઓ ડિવોશનલ એસોસિએશન ઓફ સીતારામના બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ, કેલિફોર્નિયા ગુજરાત સિસ્ટર સ્ટેટ એસોસિએશન, ઈન્ડિયા હેરિટેજ રિસર્ચ ફાઉન્ડેશન, બે એરિયા ગુજરાતી સમાજ, ઈન્ડિયા કલ્ચરલ એસોસિએશન ઓફ બે એરિયા અને બ્રાહ્મિન સમાજ ઓફ યુએસએના કો-ઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે. તેમણે ચેરિટેબલ કેર ફાઉન્ડેશનના ટ્રેઝરર તરીકે પણ સેવા આપી છે.