નવી દિલ્હીઃ વિખ્યાત ‘ટાઈમ’ મેગેઝિન દ્વારા કરાયેલા ઓનલાઈન સર્વેક્ષણમાં રિડર્સ કેટેગરીમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર્સન ઓફ ધ યર જાહેર થયા છે. નરેન્દ્ર મોદી સાથે સ્પર્ધામાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન, અમેરિકાના વરાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, હિલેરી ક્લિન્ટન વગેરે હતા. ‘ટાઈમ’ મેગેઝિન પર્સન ઓફ ધ યર એવોર્ડની સત્તાવાર જાહેરાત ૧૦ ડિસેમ્બરે થાય તેવી શક્યતા છે.
‘ટાઈમ’ મેગેઝિને ઓનલાઈન સર્વેક્ષણ દ્વારા મળેલા મતોના આધારે નરેન્દ્ર મોદીને 'રિડર્સ પોલ'ની કેટેગરીમાં પર્સન ઓફ ધ યર જાહેર કર્યાં છે. નરેન્દ્ર મોદીએ અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, વર્તમાન પ્રમુખ બરાક ઓબામા, પ્રમુખપદની ચૂંટણીમાં હારી ગયેલા અને અમેરિકાના ઈતિહાસમાં પ્રમુખપદની ચૂંટણી લડેલા પ્રથમ મહિલા ઉમેદવાર હિલેરી ક્લિન્ટન, રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનને પાછળ રાખીને ઓનલાઈન વોટિંગમાં સર્વાધિક ૧૮ ટકા મતો મેળવ્યા હતા.
‘ટાઈમ’ રિડર્સ પોલ
૧૯૯૮થી ‘ટાઈમ’ દ્વારા રિડર્સ પોલ કરવામાં આવે છે અને રિડર્સ કેટેગરીમાં પર્સન ઓફ ધ યરની જાહેરાત કરવામાં આવે છે. રિડર્સ પોલમાં પર્સન ઓફ ધ યર જાહેર થાય એ જ વ્યક્તિને ‘ટાઈમ’ મેગેઝિનના પર્સન ઓફ ધ યર જાહેર કરવામાં આવે તે જરૂરી નથી.
૨૦૧૧થી સતત એવું બનતું આવ્યું છે કે રિડર્સ પોલમાં વિજેતા બનનારી વ્યક્તિને ‘ટાઈમ’ દ્વારા પર્સન ઓફ ધ યરનું સન્માન આપવામાં આવતું નથી. નરેન્દ્ર મોદી અગાઉ પણ ૨૦૧૪માં રિડર્સ પોલમાં વિજેતા બન્યા હતા, પણ ઈબોલાના રોગચાળાએ તે વર્ષે હાહાકાર મચાવ્યો હતો. આથી ઈબોલા સામે લડત આપનારા તમામ લોકોને પર્સન ઓફ ધ યર જાહેર કરાયા હતા.
ટોપ-૧૧ યાદીમાં નરેન્દ્ર મોદી
‘ટાઇમ’ મેગેઝિનના તંત્રીઓએ સોમવારે પર્સન ઓફ ધ યર ટાઇટલના ૫૦ દાવેદારોની યાદી ટૂંકાવીને ૧૧ દાવેદારોની પ્રકાશિત કરી છે. તેમાં અમેરિકાના વરાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની સાથોસાથ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નામ પણ સામેલ છે. યાદીમાં જે અન્ય નામો સામેલ છે રાજનેતાઓથી માંડીને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર્સનો સમાવેશ થાય છે.
યાદીમાં ફેસબુકના વડા માર્ક ઝૂકરબર્ગ, તુર્કીશ પ્રમુખ રેસેપ તેપ એર્ડોગન, યુકે ઇન્ડિપેન્ડન્સ પાર્ટીના નેતા નાઇજેલ ફરાજ, યુએસ જિમનાસ્ટ અને ઓલિમ્પક ગોલ્ડ મેડાલિસ્ટ સિમોન બાઇલ્સ, હિલેરી ક્લિન્ટન, ડીએનએમાં સુધારાવધારા કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિ વિકસાવનાર વૈજ્ઞાનિકો, સિંગર બિયોન્સ વગેરેનો સમાવેશ થાય છે.
આ વખતે મોદીને ‘ટાઈમ’ના પર્સન ઓફ ધ યર બનવા સામેનો સૌથી મોટો પડકાર ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી હોવાનું માનવામાં છે. કારણ કે છેલ્લાં ૧૬ વર્ષથી એવું એક પણ વર્ષ ગયું નથી કે જેમાં અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખને ‘ટાઈમ’ દ્વારા પર્સન ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યા ન હોય. ઉલ્લેખનીય છે કે જે વર્ષે પ્રમુખપદની ચૂંટણી યોજાય છે તે વર્ષે વિજેતા ઉમેદવાર જ ટાઈમના પર્સન ઓફ ધ યરનું સન્માન મેળવે છે. જેમ કે, ૨૦૦૦ અને ૨૦૦૪માં જ્યોર્જ બુશ, ૨૦૦૮-૨૦૧૨માં બરાક ઓબામા ટાઈમ પર્સન ઓફ ધ યર બન્યા હતા.
રિડર્સ પોલમાં વિજેતા પર્સન ઓફ ધ યર બનતા નથી!
વર્ષ રિડર્સ પોલ વિજેતા ટાઈમ પર્સન ઓફ ધ યર
૨૦૧૧ રેસેપ તેપ એર્ડોગન વિશ્વભરના પ્રદર્શનકારી
૨૦૧૨ કિમ જોંગ ઉન બરાક ઓબામા
૨૦૧૩ ફતેહ અલ સિસી પોપ ફ્રાન્સિસ
૨૦૧૪ નરેન્દ્ર મોદી ઈબોલા ફાઈટર્સ
૨૦૧૫ વ્લાદિમીર પુતિન એન્જલા મર્કેલ