નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બર મહિનાના છેલ્લા સપ્તાહમાં ડિજિટલ ઈન્ડિયા કેમ્પેઈનને પ્રમોટ કરવા માટે અમેરિકામાં સિલિકોન વેલીની મુલાકાતની તૈયારી કરી રહ્યા છે. આ સંજોગોમાં અમેરિકાની કેટલીક યુનિવર્સિટીમાં દક્ષિણ એશિયાની બાબતોમાં જાણકાર ગણાતા પ્રોફેસરોએ કરેલી અપીલ ઘણી ચોંકાવનારી છે. જાણકારો દ્વારા કહેવામાં આવ્યું હતું કે સિલિકોન વેલીની કંપનીઓએ મોદી સરકારથી સાવધાન રહેવું જોઈએ.
અમેરિકી યુનિવર્સિટીઓના બુદ્ધિજીવીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે જે સરકારમાં અને વખતે માનવાધિકાર અને નાગરિક અધિકારોનું ઉલ્લંઘન થયું હોય તેવી સરકાર સાથે વેપાર કરવામાં વધુ સતર્કતા રાખવી જરૂરી છે. નિવેદન કરનારાઓમાં કોલંબિયા યુનિવર્સિટી અકીલ બિલગ્રામી અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના થોમસ બ્લોમ પણ છે. નિવેદનમાં પ્રાઈવેસી સંબંધિત કાયદાઓ અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. તેમાં ટાંક્યું હતું કે, માહિતી અનુસાર પ્રાઈવેસી માટે જરૂરી જોગવાઈઓ કરવામાં આવી નથી. કારણે માહિતીનો ખોટો ઉપયોગ થવાની સંભાવના પણ છે.
• ઇજિપ્તની એક કોર્ટે શનિવારે 'અલ-જઝીરા'ના ત્રણ અંગ્રેજી પત્રકારોને ખોટી ખબરો ફેલાવવાના આરોપસર ત્રણ વર્ષની કેદની સજા ફટકારી છે. ઇજિપ્શિયન મૂળના કેનેડિયન પત્રકાર મોહમ્મદ ફાહમી, ઇજિપ્તના બાહેર મોહમ્મદ અને ઓસ્ટ્રેલિયાના પીટર ગ્રેસ્ટે પર પ્રતિબંધિત મુસ્લિમ સંગઠન બ્રધરહૂડને મદદ કરવાનો આરોપ હતો.
• લોકોની ક્રુર હત્યા કરીને વિશ્વમાં આતંક ફેલાવનાર ત્રાસવાદી ગ્રૂપ ઈસ્લામિક સ્ટેટ પર પાકિસ્તાન દ્વારા પ્રતિબંધ મુકાયો છે. આ સંગઠને હાલ ઈરાક અને સીરિયાનાં વિસ્તારો પર કબજો જમાવ્યો છે.
• પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા મોહંમદ આસીફે રવિવારે ભારતને ધમકી આપી છે. તેમણે જણાવ્યું કે જો ભારત પાકિસ્તાન પર યુદ્ધ કરશે તો તેને ભારે કિંમત ચૂકવવી પડશે. જે તેને દાયકાઓ સુધી યાદ રહેશે. તેઓ સિયાલકોટમાં જમ્મુ-કાશ્મીર સરહદે આંતરરાષ્ટ્રીય સીમા પાસે પત્રકારો સાથે વાતચીત કરતાં આમ કહ્યું હતું.
• જાપાનમાં રવિવારે આશરે એક લાખ લોકોએ સંસદને ઘેરી લીધી હતી. જાપાની સૈન્યને વિદેશમાં જઈને લડવાની મંજૂરી આપતા સરકારના નવા કાયદાનો લોકો વિરોધ કરી રહ્યા છે. જાપાનમાં છેલ્લાં ઘણાં વર્ષોમાં આ સૌથી મોટું સરકારવિરોધી પ્રદર્શન છે.
• ગ્રીસમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ વસીલિકી થાનુને કાર્યવાહક વડાં પ્રધાન નિયુક્ત કરાયાં છે. રાષ્ટ્રપતિ પ્રોકોપિસ પાવલોપોલસે ૨૭ ઓગસ્ટે જાહેરાત કરી હતી. તેઓ દેશના પહેલા મહિલાં વડાં પ્રધાન છે.
• બેંગકોકમાં બ્રહ્મા મંદિરની સામે થયેલા બોમ્બ વિસ્ફોટના શંકાસ્પદ આરોપીની ધરપકડ કરાઇ છે. તે તુર્કીનો નાગરિક છે. પોલીસના જણાવ્યા અનુસાર તેનો ચહેરો સીસીટીવી ફૂટેજમાં આવેલા શંકાસ્પદ સાથે મળતો આવે છે. શકમંદના ઘરેથી અનેક પાસપોર્ટ અને બોમ્બ બનાવવાનો સામાન મળ્યો છે.