બહેરિનઃ ગલ્ફ દેશો યુએઇ અને બહેરિનની ટૂંકી મુલાકાતે પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બંને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરાયા છે. શનિવારે બહેરિનમાં નરેન્દ્ર મોદીને ધ કિંગ હમાદ ઓર્ડર ઓફ ધ રેનેન્સા પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. બહેરિનના શાહના હસ્તે સન્માન સ્વીકાર્યા બાદ મોદીએ જણાવ્યું હતું કે, હું આ સન્માન પ્રાપ્ત કરીને મને પોતાને ઘણો સન્માનનિત અને ભાગ્યશાળી સમજી રહ્યો છું. હું તમારી મિત્રતાને પણ મારા પોતાના માટે તેમ જ મારા દેશ માટે એટલી જ સન્માનપૂર્ણ માનું છું. હું ૧.૩ અબજ ભારતીયો વતી આ સન્માન નમ્રતાપૂર્વક સ્વીકારું છું.
આ પૂર્વે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુએઇ (યુનાઇટેડ આરબ અમિરાત)ની મુલાકાત લીધી હતી. અહીં ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહ્યાને મોદીને યુએઇના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ જાયદથી સન્માનિત કર્યા હતા.
આ પુરસ્કાર પ્રાપ્ત કર્યા પછી મોદીએ જણાવ્યું હતું કે, આ સન્માન ભારત અને યુએઇ વચ્ચે ગાઢ બની રહેલી ભાગીદારીનો પુરાવો છે. આ માત્ર મારું નહીં, પરંતુ ૧૩૦ કરોડ ભારતીયોનું સન્માન છે. આ પુરસ્કાર બંને દેશો વચ્ચે સુરક્ષા, શાંતિ અને સમૃદ્ધિ માટે દ્વિપક્ષીય સંબંધોની મજબૂતાઈ દર્શાવે છે.
ઇસ્લામિક દેશો દ્વારા ૬ સન્માન
યુએઇ દ્વારા આ પૂર્વે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, બ્રિટનનાં ક્વીન એલિઝાબેથ- દ્વિતીય અને ચીનના રાષ્ટ્રપતિ શિ જિનપિંગને પણ ઓર્ડર ઓફ જાયદની નવાજેશ થઇ ચૂકી છે. જોકે નરેન્દ્ર મોદીના કિસ્સામાં સૌથી ઉલ્લેખનીય બાબત એ છે કે ઇસ્લામિક દેશો દ્વારા અત્યાર સુધીમાં તેમને ૬ સન્માન એનાયત થઇ ચૂક્યા છે.
મારો ભાઈ મારા ઘેર આવ્યો: ક્રાઉન પ્રિન્સ
વડા પ્રધાન મોદી સાથેની મુલાકાત બાદ યુએઇના ક્રાઉન પ્રિન્સે જણાવ્યું હતું કે, મને ખુશી છે કે મારો ભાઈ મારા ઘેર આવ્યો છે. વડા પ્રધાન મોદીએ પણ ઉષ્માભેર જણાવ્યું હતું કે પેઢીઓથી યુએઇ સાથે ભારતના સંબંધ છે.
બંને નેતાઓ વચ્ચે ભાગીદારીના તમામ પાસાઓ પર વિશદ્ મંત્રણા થઈ હતી. ભારત અને બહેરિન સ્પેસ ટેક્નોલોજીથી માંડીને સાંસ્કૃતિક આદાનપ્રદાનનાં ક્ષેત્રે સહયોગ સાધવા સંમત થયા છે. બંને દેશ વચ્ચે સ્પેસ ટેક્નોલોજી, સોલર એનર્જી તેમજ રુપે કાર્ડના ક્ષેત્રે સહયોગ સાધવા સમજૂતી કરાર થયા છે. ઇસરો અને નેશનલ સ્પેસ સાયન્સ એજન્સી વચ્ચે સ્પેસ ટેક્નોલોજી સેક્ટરમાં સહકાર માટે સહમતી સધાઈ હતી. થોડાક સમય પહેલા ક્રાઉન પ્રિન્સે ભારતની મુલાકાત દરમિયાન અબજો ડોલરના વેપાર કરાર કર્યા હતા.
પાક. પ્રેરિત આતંકની ટીકા
પાકિસ્તાન-પ્રેરિત આતંકવાદને વખોડી કાઢતાં સંયુક્ત નિવેદનમાં ભારત અને બહેરિને અન્ય દેશો સામે આતંકવાદના ઉપયોગને નકારી કાઢવા આંતરરાષ્ટ્રીય સમુદાયને આહવાન કર્યું હતું. બંને દેશો સુરક્ષા, આતંકવાદવિરોધી જંગી અને ગુપ્તચર માહિતીના આદાનપ્રદાન માટે સહમત થયા હતા. બંને દેશોએ આતંકવાદના માળખાને ધ્વસ્ત કરવા અને આર્થિક સહાય અટકાવી દેવા પણ અપીલ કરી હતી.
પાકિસ્તાન ધૂંઆપૂંઆ
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને યુએઇએ આપેલા સર્વોચ્ચ નાગરિક સન્માનના કારણે પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. નરેન્દ્ર મોદી સરકારે કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ રદ કરતાં પાકિસ્તાન ભારત પર રોષે ભરાયું છે. આ અરસામાં જ બે અગ્રણી ઇસ્લામિક દેશો દ્વારા મોદીનું સન્માન થયું છે તેનાથી પાક. નારાજ છે. રોષે ભરાયેલા પાકિસ્તાને તેની સેનેટના ચેરમેન સાદિક સંજરાની અને સંસદીય પ્રતિનિધિ મંડળનો યુએઇ પ્રવાસ રદ કરી નાખ્યો છે. બીજી તરફ પાક.ના વડા પ્રધાન ઇમરાન ખાનની ફજેતી કરતા પૂર્વ વિદેશ પ્રધાન હીના રબ્બાની ખારે ઇમરાન ખાનને અનાડી ગણાવ્યા છે.