સિઓલઃ સાઉથ કોરિયાની મુલાકાતે પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આંતરરાષ્ટ્રીય સહકાર ક્ષેત્રે યોગદાન અને વૈશ્વિક આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે વર્ષ ૨૦૧૮ના પ્રતિષ્ઠિત સિઓલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરાયા છે. સિઓલ પીસ પ્રાઇઝ ફાઉન્ડેશન દ્વારા આયોજિત ભવ્ય સમારોહમાં મોદીને પુરસ્કાર એનાયત થયો તે પ્રસંગે તેમનાં જીવન અને સિદ્ધિઓને દર્શાવતી એક ટૂંકી ફિલ્મ પણ દર્શાવાઈ હતી. નરેન્દ્ર મોદીએ પુરસ્કાર સાથે મળેલી રૂ ૧.૩૦ કરોડની રાશિ નમામિ ગંગે પ્રોજેક્ટને અર્પણ કરી છે.
આ પુરસ્કાર આપવા માટે પસંદગી સમિતિએ ભારતીય વડા પ્રધાને ભારત અને વિશ્વનાં અર્થતંત્રોના વિકાસ માટે મોદીનોમિક્સ દ્વારા આપેલાં યોગદાન અને ગરીબ-અમીર વચ્ચેની સામાજિક અને આર્થિક ખાઈ પૂરવામાં મેળવેલી સફળતા ધ્યાનમાં લીધી હતી. સમિતિએ સમગ્ર વિશ્વના દેશો સાથે સક્રિય નીતિ દ્વારા પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિમાં આપેલાં યોગદાનની પણ નોંધ લીધી હતી. સિઓલ શાંતિ પુરસ્કારની સ્થાપના ૧૯૯૦માં સિઓલમાં ૨૪મા ઓલિમ્પિક રમતોત્સવનાં સફળ આયોજનની સ્મૃતિમાં કરાઈ છે.
વડા પ્રધાન મોદીએ પુરસ્કાર સ્વીકાર્યા બાદ જણાવ્યું હતું કે, કોરિયાની જેમ ભારત પણ સરહદપારની પીડા વેઠી રહ્યો છે. શાંતિપૂર્ણ વિકાસની દિશામાં આપણી આગેકૂચ સરહદપારના આતંકવાદને કારણે પાટા પરથી ઊતરી જાય છે. ભારત છેલ્લાં ૪૦ વર્ષથી આતંકવાદનો સામનો કરી રહ્યો છે. વિશ્વના તમામ દેશો આજે આતંકવાદની ધમકીનો સામનો કરી રહ્યા છે.
સાઉથ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જેઇ ઇન સાથેની મંત્રણા બાદ મોદીએ પત્રકારોને જણાવ્યું હતું કે, આતંકવાદ અને કટ્ટરવાદ વૈશ્વિક શાંતિ અને સુરક્ષા સામેના સૌથી મોટા પડકાર છે. વિશ્વ સમુદાયે એકસંપ થઈને આતંકવાદી નેટવર્કોના સંપૂર્ણ ખાત્મા અને તેમને મળતા આર્થિક ભંડોળના સ્રોતો અટકાવી દેવા માટે કામ કરવાનો સમય આવી ગયો છે. વિશ્વ માટે મંત્રણાઓથી આગળ વધીને આતંકવાદ સામે એકજૂથ થઈ પગલાં લેવાનો સમય આવી ગયો છે.
ભારતની ૧૩૦ કરોડની જનતાને પુરસ્કાર અર્પણ
સિઓલ શાંતિ પુરસ્કાર દેશની જનતાને અર્પણ કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, હું માનું છું કે આ પુરસ્કાર મને નહીં, પરંતુ ભારતની જનતાને અપાયો છે. પ્રજાજનોના પ્રયાસોના લીધે જ છેલ્લાં પાંચ વર્ષમાં ભારતે સફળતાઓ હાંસલ કરી છે. હું મને સેવાની તક આપનાર ૧૩૦ કરોડ ભારતીયોને આ પુરસ્કાર સમર્પિત કરું છું.
વડા પ્રધાન મોદીએ પુરસ્કાર સ્વીકારતી વખતે પુરસ્કારમાં મળેલી રૂપિયા ૧.૩૦ કરોડની રકમ નમામિ ગંગે પ્રોજેક્ટમાં આપવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, મને આ પુરસ્કારની સાથે રૂપિયા ૧ કરોડ ૩૦ લાખની રકમ મળી છે જે હું નમામિ ગંગે યોજના માટે સમર્પિત કરી રહ્યો છું.
ભારતીય અર્થતંત્રના પાયા મજબૂત છે
સાઉથ કોરિયા સાથે દ્વિપક્ષીય અને વેપારી સંબંધો વિકસાવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૧ ફેબ્રુઆરીએ બે દિવસની મુલાકાતે સિઓલ પહોંચ્યા હતા. ભારતીય સમુદાયે વડા પ્રધાનનું ‘મોદી... મોદી...’ના ગગનભેદી નારાથી ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.
મોદીએ ઈન્ડિયા-કોરિયા બિઝનેસ સિમ્પોઝિયમને સંબોધતાં કહ્યું હતું કે, આતંકવાદ અને જળ-વાયુ પરિવર્તન એ વિશ્વ સામેના મોટા પડકારો છે. બિઝનેસ સમિટમાં વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ભારતની ઇકોનોમીના પાયા મજબૂત છે, જે ખૂબ જ ઝડપથી પાંચ ટ્રિલિયન ડોલરના આંકને પાર વટાવવાની તૈયારીમાં છે. છેલ્લાં ચાર વર્ષમાં ૨૫૦ બિલિયન ડોલરનું સીધું વિદેશી મૂડીરોકાણ આકર્ષી શકાયું છે. વિશ્વની કોઈ પણ મોટામાં મોટી ઇકોનોમી દર વર્ષે સરેરાશ ૭ ટકાના વૃદ્ધિદરથી વિકાસ સાધી શકી નથી.
ભારત સંભાવનાની ભૂમિ
વડા પ્રધાન મોદીએ કહ્યું હતું ભારત હવે અવસરો અને સંભાવનાની ભૂમિ બની રહ્યો છે. દેશ-વિદેશનાં લોકોને અનેક પ્રકારે વેપારવૃદ્ધિની તકો ઊભી થઈ છે. દેશનાં ૯૯ ટકા લોકો પોતાનાં એકાઉન્ટ ધરાવે છે. અમે સાઉથ કોરિયાને સક્ષમ ભાગીદાર તરીકે જોઈ રહ્યા છીએ. સાઉથ કોરિયા મેક ઈન્ડિયા, સ્વચ્છ ભારત, સ્ટાર્ટઅપ ઈન્ડિયા જેવા પ્રોજેક્ટમાં ભારતનો ભાગીદાર રહ્યો છે. ભારતે ગયા ઓક્ટોબરથી કોરિયન નાગરિકોને વિઝા-ઓન-અરાઇવલ આપવાનું શરૂ કર્યું છે.
તેમણે કહ્યું હતું કે હ્યુન્ડાઇ, સેમસંગ, એલજી જેવી ૬૦૦થી વધુ કંપનીઓ ભારતમાં જંગી મૂડીરોકાણ સાથે કાર્યરત છે. હવે કાર બનાવતી કંપની કિયા તેમાં જોડાઈ રહી છે. ૯૦ ટકાથી વધુ સેક્ટરમાં ઓટોમેટિક રૂટથી મંજૂરી અપાઈ છે. વિશ્વની ૬ઠ્ઠા ક્રમની ૨.૫ ટ્રિલિયનની ઇકોનોમી કૃષિઆધારિત દેશમાંથી ઇન્ડસ્ટ્રિયલ દેશ બની રહી છે. બંને દેશો વચ્ચેનો વેપાર ૨૦૧૮માં વધીને ૨૧.૫ બિલિયન ડોલર પર પહોંચ્યો છે.