પારસી સમુદાયે સોમવારે - ૨૧ માર્ચે નૂતન વર્ષ નવરોઝની ઉજવણી કરી હતી. આ અવસરે કુર્દિશ સમુદાયના લોકો ઈરાકના દુહોક પ્રાંતના અકરે પર્વતો પર મશાલો સળગાવીને પહોંચ્યા હતા. આ વિસ્તાર કુર્દિસ્તાન તરીકે પણ ઓળખાય છે. પારસી સમુદાયમાં નવરોઝ પર્વે પર અગ્નિ સાથે વિશેષ અનુષ્ઠાન કરાય છે. આ દિવસે જરથુષ્ટ્રની તસવીર, મીણબત્તી, કાચ, અગરબત્તી, ખાંડ, સિક્કા જેવી પવિત્ર વસ્તુઓ એક જગ્યાએ મૂકાય છે. માન્યતા છે કે આમ કરવાથી પરિવારમાં સુખ-સમૃદ્ધિ વધે છે. આ દિવસે પરિવારના બધા લોકો એકસાથે મળીને પ્રાર્થના સ્થળે જાય છે. પવિત્ર અગ્નિમાં ચંદનનું લાકડું ચઢાવવાની પરંપરા પણ છે.
નવરોઝની ઉજવણીનો પ્રારંભ આજથી 3000 વર્ષ પહેલાં ઇરાનમાં પારસી સમુદાયના યોદ્ધા શાહ જમશેદજીએ કરી હતી. નવનો મતલબ નવું અને રોઝનો મતલબ દિવસ થાય છે. વસંત ઋતુમાં આવતા આ પર્વની ઉજવણી ૨૧ માર્ચે થાય છે. આ દિવસે દિવસ અને રાતના કલાક એક સરખા હોય છે, એટલે કે પ્રકાશ અને અંધકાર બન્ને સરખા હોય છે. તે ચોક્કસ સમયને જમશેદ નવરોઝ કહે છે અને તે આધુનિક સમયમાં પણ ઉજવવામાં આવે છે. ઇરાક ઉપરાંત ઈરાન, તાજિકિસ્તાન, લેબેનોન, ભારત, પાકિસ્તાનમાં આ પર્વને પતેતી, જમશેદી નવરોઝ તરીકે પણ ઓળખવામાં આવે છે.