નવી દિલ્હી: ભારતની નાણાકીય વ્યવસ્થામાં મોટો ઇતિહાસ રચાયો છે. ભારતે યુએઈને તેના ઓઈલની ખરીદી પેટે પહેલી વખત રૂપિયામાં ચૂકવણી કરી છે.
આ પગલાંને ભારતીય રૂપિયાના વૈશ્વિક ઉપયોગમાં વૃદ્ધિના પગલાની દિશામાં અત્યંત વ્યૂહાત્મક ગણવામાં આવે છે. વિશ્વમાં ઉર્જાના સૌથી મોટા ત્રીજા વપરાશકાર ભારતનું ધ્યેય અન્ય સપ્લાયરોમાં રૂપિયામાં આંતરરાષ્ટ્રીયકરણનું છે.
જોકે અધિકારીઓનું કહેવું છે કે આ હજી એક પ્રક્રિયા છે અને તે તબક્કાવાર ધોરણે આગળ વધશે, અને તેમાં સમય લાગી શકે છે. અહેવાલમાં ઉમેરવામાં આવ્યું હતું કે ભારત તેની જરૂરતના 85 ટકા ઓઇલની આયાત કરે છે.
ભારતે પોતાની ઉર્જા સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઓઈલની આયાતના બાસ્કેટનું વૈવિધ્યીકરણ કર્યું છે. ભારતે ખર્ચ અસરકારક કે સસ્તો ઓઈલ પુરવઠો પૂરો પાડતાં વિકલ્પો પર વધુને વધુ ધ્યાન આપ્યું છે. યુક્રેન-રશિયા યુદ્ધ દરમિયાન ભારતને આ વ્યૂહરચનાનો નોંધપાત્ર ફાયદો મળતા આયાતમાં અબજ ડોલરની બચત કરી શકાઈ છે.
અહેવાલ મુજબ રૂપિયામાં ચૂકવણીના લીધે નાણાકીય વ્યવહાર વધારે સરળતાથી કરી શકાશે અને ડોલરમાં રુપાંતરણનું ખર્ચ ઘટશે. ભારતે યુએઈ સાથે જુલાઈમાં રૂપી સેટલમેન્ટનો કરાર કર્યો હતો. તેના પરિણામે ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન (આઈઓસી)એ અબુ ધાબી નેશનલ ઓઇલ કંપની (એડીએનઓસી)ને પ્રતિ બરલ 10 લાખ ડોલર માટે ભારતીય રૂપિયામાં ચૂકવણી કરી છે. ભારતે રશિયાની ઓઇલ આયાતના અમુક હિસ્સાની રૂપિયામાં ચૂકવણી કરી છે.