નવી દિલ્હી: અનેક ઉથલપાથલ અને પડકારોથી ભરેલું વર્ષ 2022 પૂરું થયું છે અને વિશ્વભરમાં 2023ના વર્ષને નવી આશા અને નવા ઉમંગ સાથે રંગેચંગે આવકારવામાં આવ્યું છે. સમગ્ર દુનિયા પર ફરી એક વખત કોરોના મહામારીનો ખતરો મંડરાયો છે, પણ લોકોએ આ જ મહામારીના કારણે વીતેલા વર્ષમાં વેઠેલી પીડાને વિસારે પાડીને કોરોના પ્રોટોકલ વિના જ નવા વર્ષને આવકાર્યું હતું. નવા વર્ષની ઊજવણીની શરૂઆત સૌથી પહેલાં ન્યૂઝીલેન્ડથી થઈ હતી. ત્યાંથી ઓસ્ટ્રેલિયા, જાપાન થઈને ભારતમાં નવા વર્ષની ધામધૂમથી ઊજવણી થઈ હતી.
ઉજવણીનો આરંભ ન્યૂઝીલેન્ડથી
દુનિયાના એકદમ પૂર્વીય ભાગ કિરિબાતી ટાપુઓથી નવા વર્ષની શરૂઆત થતી હોય છે. 2023નો સૌથી પહેલો સૂર્યોદય આ વિસ્તારમાં થાય છે. ટેકનિકલી આ એ ટાપુઓ છે જ્યાંથી દરેક નવા વર્ષની શરૂઆત થતી હોય છે. જોકે, ઊજવણીના સંદર્ભમાં જોઈએ તો ન્યૂઝીલેન્ડમાં નવા વર્ષની ભારે ધામધૂમથી ઊજવણી થાય છે, જે આખી દુનિયામાં ખ્યાતનામ છે. પૃથ્વીના પૂર્વીય ભાગથી શરૂ થતી નવા વર્ષની ઊજવણી સૌથી છેલ્લે પશ્ચિમી ભાગમાં અમેરિકામાં થઇ હતી.
ન્યૂઝીલેન્ડમાં આતશબાજી સાથે લોકોએ વર્ષ 2022ને વિદાય આપી અને નવા વર્ષ 2023ને આવકાર્યું હતું. આ સમયે ઓકલેન્ડના પ્રખ્યાત સ્કાય ટાવરને ઝગમગાતી લાઈટોથી સજાવાયું હતું. અહીં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ભવ્ય આતશબાજી કરાઈ હતી.
દુનિયામાં નવા વર્ષની ઊજવણી વહેલા શરૂ થતી હોય તેવા દેશોમાં ઓસ્ટ્રેલિયાનો પણ સમાવેશ થાય છે. ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં પણ શાનદાર આતશબાજી કરાઈ હતી. ઓસ્ટ્રેલિયાની રાજધાની સિડનીમાં પ્રખ્યાત સિડની હાર્બર બ્રિજને પ્રોગ્રેસ પ્રાઈડ ફ્લેગના રંગોની લાઈટોથી સજાવવામાં આવ્યો હતો. સિડની ઓપેરા હાઉસને પણ રંગબેરંગી લાઈટોથી સજાવાયું હતું.
અનેક દેશોમાં કોવિડ નિયંત્રણ મુક્ત ઉજવણી
ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ ઉપરાંત ભારત, બ્રિટન, ફ્રાન્સ સહિત અનેક દેશોમાં નવા વર્ષની કોવિડ નિયંત્રણો મુક્ત ઉજવણી કરવામાં આવી હતી. સિડની હાર્બર અને ઓપેરા હાઉસ ખાતે વિશ્વનાં અનેક દેશોમાંથી સહેલાણીઓ નવા વર્ષને વધાવવા આવ્યા હતા. સિડની હાર્બર ખાતે સાત રંગોનું મેઘધનુષ અનેરી આભા પ્રસરાવતું હતું. ઓપેરા હાઉસ ખાતે ફટાકડા સાથે આતશબાજી કરાઈ હતી. ફ્રાન્સની વાત કરીએ તો, પેરિસનો એફિલ ટાવર રંગબેરંગી લાઈટની રોશનીથી શણગારવામાં આવ્યો હતો. અહીં હજારો લોકો નવા વર્ષને આવકારવા એકઠા થયા હતા.
લંડનમાં બિગ બેન ટાવરનાં 12ના ટકોરે અનેક લોકોએ નવા વર્ષને વધાવ્યું હતું. થેમ્સ નદીના કાંઠા પર રોશની અને આતશબાજી કરાઈ હતી. દુબઈમાં ઝાકઝમાળ સાથે 2023ને આવકારવામાં આવ્યું હતું. દુબઈ મોલમાં લાઈટ એન્ડ વોટર સાઉન્ડ શો યોજવામાં આવ્યો હતો. બુર્જ ખલીફા પર વિવિધ રંગો સાથે 2023ને આવકારતા દૃશ્યો જોવા મળ્યા હતા.
જાપાનના ટોક્યો અને સાઉથ કોરિયાના સિઉલમાં પણ ભારે આતશબાજી કરાઈ હતી જ્યારે ચીનમાં કોરોના મહામારીને કારણે દરરોજ લાખો કેસ આવી રહ્યા હોવા છતાં ગ્રેટ ચાઈના વોલ પર નવા વર્ષની ઊજવણી કરાઈ હતી.
ભારતમાં કોરોના ચિંતા કોરાણે
ભારતમાં પણ કોરોના મહામારીની ચિંતાઓને બાજુ પર મુકીને લોકોએ નવા ઉમંગ અને ઉત્સાહથી નવા વર્ષની ઊજવણી કરી હતી. ઉત્તરાખંડના નૈનીતાલ અને મસૂરીથી લઈને હિમાચલ પ્રદેશના સિમલા અને મનાલી જેવા પ્રવાસન સ્થળો પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી. વારાણસીમાં પણ નવા વર્ષની ઊજવણી માટે ગંગા આરતીનું આયોજન કરાયું હતું. ગંગા આરતીમાં ભાગ લેવા માટે વ્યાપક સંખ્યામાં ભીડ એકઠી થઈ હતી.
નવા વર્ષની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી અને દેશની એકતા, અખંડતા તથા સમાવેશી વિકાસ માટે પોતાને સમર્પિત કરવાનો સંકલ્પ લેવાનું આહ્વાન કર્યું. તેમણે નવા વર્ષના શુભેચ્છા સંદેશામાં કહ્યું કે, નવા વર્ષની નવી સવાર, નવી ઊર્જા સાથે આપણા જીવનમાં નવી ખુશીઓ, લક્ષ્ય, પ્રેરણા અને મોટી સિદ્ધિઓ લઈને આવે.
પડકારો - સમસ્યાનો સામનો કરવા લોકો સજ્જ
સન 2022નું વર્ષ લોકો માટે વસમું પુરવાર થયું હતું. કોરોનાનો કહેર, રશિયા-યુક્રેન યુદ્ધ, મધ્ય પૂર્વનાં દેશોમાં તંગદિલી, ભારત-ચીન વચ્ચે સીમા વિવાદને પગલે બોર્ડર પર છમકલા, અમેરિકા અને ચીન વચ્ચે તંગદિલી જેવી સમસ્યાઓ અને પડકારો વચ્ચે 2022નું વર્ષ પૂરું થયું હતું. જોકે 2023ના નવા વર્ષમાં પણ લોકોએ કોરોના મહામારી, રશિયા-યુક્રેન યુદ્ધ, કમ્મરતોડ મોંઘવારી, ખોરવાયેલી સપ્લાય ચેન, ઊર્જાની કટોકટી વૈશ્વિક આર્થિક મંદી જેવા પડકારોનો સામનો કરવાનો છે.
G-20ની અધ્યક્ષતાઃ ભારત ભણી આશાભરી મીટ
વૈશ્વિક સંબંધોના મામલે ભારત માટે 2023નું વર્ષ શાનદાર રહેશે તેવી આશા અસ્થાને નથી. G-20ની અધ્યક્ષતા સાથે આખા વિશ્વમાં ભારતનો દબદબો વધ્યો છે. અમેરિકા, રશિયા અને ચીન જેવી કહેવાતી મહાસત્તાઓ વિશ્વ શાંતિ માટે ભારત તરફ નજર નાખી રહી છે. ભારતે G-20નું અધ્યક્ષપદ સંભાળ્યું છે તે સાથે જ મહાસત્તા અમેરિકા અને રશિયા સહિતના અનેક દેશો સમર્થન વ્યક્ત કરવાની સાથોસાથ એવો આશાવાદ દર્શાવી ચૂક્યા છે ભારતનું સબળ નેતૃત્વ વિશ્વને એક નવી દિશામાં દોરી જશે. દેશનાં 50 શહેરોમાં G-20ને લગતા 200 કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. જેમાં ભારત દ્વારા તેની પ્રગતિનું નિદર્શન કરવામાં આવશે. વિશ્વનાં અનેક દેશોએ ભારત પ્રત્યેનો તેમનો અભિગમ બદલવો પડશે.