કુઆલાલમ્પુરઃ મલેશિયાના વડા પ્રધાન મહાતિર વિવાદાસ્પદ ઉપદેશક અને ભારતમાં મનીલોન્ડરિંગ કેસમાં વોન્ટેડ ઝાકીર નાઇકનું ભારતમાં પ્રત્યર્પણ ના કરવા મક્કમતા દાખવી રહ્યા હતા, પરંતુ હવે તે ઝાકીર તેમના માથાનો દુખાવો બની રહ્યો છે. ઉશ્કેરણીજનક નિવેદનો બદલ જાણીતા બનેલા ઝાકીરે મલેશિયામાં પણ હેટ સ્પીચ શરૂ કરી દીધી છે. મલેશિયાના વડા પ્રધાન મહાતિરે પણ દિવસ પહેલાં જ જણાવ્યું હતું કે એવું સાબિત થશે કે જાકીરની પ્રવૃત્તિ મલેશિયા માટે નુકસાનકારક છે તો તેને સ્થાયી નિવાસીનો આપવામાં આવેલો દરજ્જો પાછો ખેંચી લેવાશે.
અગાઉ અહેવાલ હતા કે ભારતના કાયદાની પકડથી નાસભાગ કરી રહેલા વિવાદાસ્પદ મૌલવી ઝાકીર નાઇકે મલેશિયામાં હિન્દુઓ વિશે કરેલી ટકોરથી મલેશિયન સરકાર નારાજ થઇ હતી. તાજેતરની એક સભામાં ઝાકીરે કહ્યું હતું કે ભારતમાં મુસ્લિમોને મળતા અધિકારો કરતાં મલેશિયામાં હિન્દુઓને વધુ અધિકારો મળે છે. એની આ ટકોર સામે મલેશિયાના કેટલાક નેતાઓએ જોરદાર વિરોધ કર્યો હતો. મલેશિયાના એક પ્રધાન મુહીદ્દીન યાસીને કહ્યું કે અહીં અશાંતિ સર્જવા માગતા લોકોને અમે ચલાવી નહીં લઇએ. અહીં હિન્દુ-મુસ્લિમો ભાઇચારાથી
રહે છે.