નાઈજિરિયાઃ અશાંત મનાતા દેશના મધ્ય ભાગમાં ખેડૂત સમાજ અને વિચરતી જાતિના ભરવાડો વચ્ચે તાજેતરમાં ફાટી નીકળેલી લડાઇમાં ૮૬ જણા માર્યા ગયા હતા. પ્રમુખ મુહમ્મદુ બુહારીએ શાંતિની અપીલ કરી હતી, પરંતુ તેની કોઇ જ અસર પડી ન હતી. ફુલાની ભરવાડો પર બેરોમ ખેડૂતોએ હુમલા કરતાં હિંસા ફાટી નીકળી હતી, પરંતુ પ્લાટેયુના બારિકિની લાદીની આ ઘટનાની જાણ હિંસા થયાના કેટલાક દિવસો પછી થઇ હતી.
રાજ્ય પોલીસ કમિશનર યુદી એદીએ કહ્યું હતું કે, આ ઘટનાના પગલે બેરોમ ગામમાં તપાસ શરૂ કરાઇ હતી. ત્યાં ૮૬ જણા માર્યા ગયા હતા. આ ઘટનામાં છ જણા ઘાયલ થયા હતા અને ૫૦ ઘરો પણ બાળી નાંખવામાં આવ્યા હતા. માર્યા ગયેલાઓના મૃત્યદેહ તેમના પરિવારના સભ્યોને સોંપી દેવાયા હતા. આગામી વર્ષે ચૂંટણી યોજાય તે પહેલાં બુહારી પર દબાણ લાવવા જમીન પર કબજો જમાવવા હિંસા થતી હોવાનું મનાય છે. પાછલા અનેક વર્ષોમાં વંશીય, ધાર્મિક અને રાજકીય જોડાણના કારણે હિંસામાં વધારો થયો હતો. જેમાં હજારો લોકો માર્યા ગયા હતા. જાણકારો માને છે કે નાઇજિરિયા માટે આ સૌથી મોટી ચિંતા હોઇ શકે છે જેણે બોકો હરામ દ્વારા ૨૦૦૯થી આચરવામાં આવેલી હિંસાને પણ પાછળ પાડી દીધી હતી જેમાં આશરે ૨૦,૦૦૦ લોકો માર્યા ગયા હતા. બુહારીના કાર્યાલયેથી બહાર પાડવામાં આવ્યું હતું કે, પ્રમુખે શાંતિ રાખવા અપીલ કરી હતી અને ખાતરી આપી હતી કે ગુનેગારો સામે કડક હાથે કામ લેવાશે.