ઈજિપ્તના રાજવીઓ-ફેરોઝની કબરો પિરામિડ્સ વિશે કોણ નથી જાણતું? આર્કીઓલોજિસ્ટ્સ લાંબા સમયથી વિચારતા હતા કે મોટા ભાગના પિરામિડ્સ રણમાં લોકોનો વસવાટ ન હોય તેવા સાંકડા પટ્ટામાં શા માટે બાંધવામાં આવ્યા છે. જોકે, હવે વિજ્ઞાનીઓએ સેટેલાઈટ ઈમેજીસ, જીઓફીઝિકલ સર્વેઝ અને લુપ્ત નદીશાખાના રેતક્ષેત્રથી પુરાવા મેળવ્યા છે કે સદીઓ અગાઉ નાઈલ નદીની લુપ્ત થઈ ગયેલી 40 માઈલ (64.37 કિલોમીટર) લંબાઈની શાખાનો પ્રવાહ અહીંથી પસાર થતો હતો. નાઈલ નદીની આ શાખા લુપ્ત થઈ તે પહેલા વેપાર-વાણિજ્ય, સંસ્કૃતિ અને બાંધકામની સમાગ્રી માટે મહત્ત્વપૂર્ણ વિસ્તારમાં હતી. પિરામિડ્સનું નિર્માણ 4700 વર્ષ અગાઉ શરૂ કરાયું ત્યારે નાઈલ નદીની શાખા વર્તમાન નદીના પ્રવાહની સમાંતર વહેતી હશે અને તેનો ઉપયોગ મજૂરો અને ગ્રેનાઈટ્સ જેવી સાધનસામગ્રી લાવવામાં થતો હશે તેમ સંશોધકોનું કહેવું છે. આશરે 4200 વર્ષ પહેલા મહા દુકાળ પડ્યા પછી નાઈલની આ શાખાએ વહેણ બદલ્યું હોવાના અને કાળક્રમે તે અદૃશ્ય થઈ હોવાનું મનાય છે.
નદીઓ વહેણ બદલે કે લુપ્ત થાય તેવી અનેક ઘટનાઓ છે. ભારતમાં વેદકાળથી ઉલ્લેખ થતો આવ્યો છે તેવી વિશાળ અને પવિત્ર ગણાયેલી સરસ્વતી નદી મુખ્ય છે. અતિ પ્રાચીન સરસ્વતી નદી સાંસ્કૃતિક વિરાસત છે અને દેશમાં મળી આવેલી લોથલ અને ધોળાવીરા સહિત પ્રાચીન સભ્યતાઓ સરસ્વતી નદીના પ્રવાહપથ પર વિકસી હોવાના પુરાવાઓ પણ મળ્યા છે તેમજ અનેક સંસ્થાઓ દ્વારા લુપ્ત સરસ્વતીનો જળમાર્ગ શોધવાના પ્રયાસો ચાલી રહ્યા છે. લુપ્ત સરસ્વતી નદીની એક શાખા પર જ પાટણ અને સિદ્ધપુર જેવાં નગરો વસ્યાં હતાં. પ્રયાગ પાસેના ત્રિવેણી સંગમમાં ગંગા, યમુના અને ત્રીજી ગુપ્ત સરસ્વતી નદીનો પ્રવાહ મળતો હોવાનું કહેવાય છે. બીજી તરફ, ગુજરાતમાં સોનાની દ્વારિકા હતી જે સમુદ્રના પેટાળમાં ગરક થઈ ગઈ
હતી તેના પુરાવાઓ પણ આધુનિક ટેકનોલોજી દ્વારા પ્રાપ્ત થઈ રહ્યા છે.