નાઇરોબીઃ હજારો વિદેશી પક્ષીઓ શિયાળામાં કચ્છના મહેમાન બનતા હોય છે એ તો આપણે સહુ જાણીએ છીએ, પણ આ ટચુકડા પક્ષીની ઉડાને તો પક્ષીવિદોને પણ આશ્ચર્યચકિત કરી દીધા છે. યાયાવર પક્ષીઓની હિલચાલ પર નજર રાખતી કેન્યાની એક સંસ્થા રોચા કેન્યાએ આવા જ એક પ્રોજેક્ટના ભાગરૂપે ચકલીના કદ જેટલા પક્ષી ગ્રેટર સેન્ડ પ્લોવરને માઇક્રોચીપ વડે ટેગ કર્યા હતાં. આ ચીપના માધ્યમથી આ પક્ષીઓના પ્રવાસ માર્ગ પર જીપીએસ વડે નજર રાખવામાં આવી હતી. આ દરમિયાન ‘નંદા’ નામનું પક્ષી આફ્રિકાના ટાન્ઝાનિયાથી ઉડાન ભર્યા બાદ અરબ સાગર પાર કરીને કચ્છમાં રોકાણ કર્યા બાદ હિમાલયને ઓળંગીને ચીનના તિબેટ વિસ્તારમાં 4550 મીટરની ઊંચાઇએ આવેલા લેક ગુઝા સુધી પહોંચી ગયું હતું. પક્ષીવિદો યાયાવર પક્ષીની આટલી લાંબા અંતરની ઉડાન વિશે જાણીને અચંબામાં મુકાઇ ગયા છે.