ઢાકાઃ બાંગ્લાદેશમાં નારાયણગંજ હત્યાકાંડ મામલે કોર્ટે સોમવારે ૨૬ લોકોને ફાંસીની સજા ફટકારી છે. તેમાં ભારતમાંથી પ્રત્યાર્પણ કરી મોકલેલા નારાયણગંજના કાઉન્સિલર અને પૂર્વ લેફ્ટનન્ટ કર્નલ સહિત સેનાના ત્રણ મોટા અધિકારી સામેલ છે. કોર્ટે ૨૩ લોકોને તેમની ગેરહાજરીમાં સજા ફટકારી હતી. નારાયણગંજમાં ૨૦૧૪માં સાત લોકોનું અપહરણ કરી નિર્દયતાપૂર્વક હત્યા કરી દેવાઈ હતી. નારાયણગંજના ડિસ્ટ્રિક્ટ તથા સેશન્સ જજ સૈયદ ઈનાયત હુસેને કેદીઓને કોર્ટમાં રજૂ કરતા જ કહ્યું કે તેમને છેલ્લા શ્વાસ સુધી ફાંસીના માંચડે લટકાવી દો. નવ લોકોને જેલની સજા ફટકારાઈ છે. સજા પામેલા ૨૬ લોકોમાં નારાયણગંજના કાઉન્સિલર નૂર હુસેન, બાંગ્લાદેશ સેનાના પૂર્વ લે. કર્નલ તારીક સઈદ પણ સામેલ છે.