મુંબઈઃ નાસા એક મિશન હેઠળ વિશ્વભરના ૨૪ લાખ લોકોના નામ મંગળ ગ્રહ પર મોકલશે. તે માટે અંદાજે ૧,૩૮,૮૯૯ ભારતીયોએ પણ નોંધણી કરાવી છે. આ ભારતીયોએ અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાના ઈનસાઇટ મિશન હેઠળ મંગળ ગ્રહ સુધી નામ મોકલાવવા નોંધણી કરાવી છે. મિશન મે ૨૦૧૮માં લોન્ચ થશે. નાસાએ જણાવ્યું છે કે જે લોકોએ નોંધણી કરાવી છે તેમના નામ મિશન ઈનસાઇટ હેઠળ મંગળ પર પહોંચવાના છે. મંગળ મિશન માટે નામની નોંધણી કરાવનારાઓમાં ભારતીયોની મોટી સંખ્યા છે. આ મિશન માટે નાસાને વિશ્વભરમાંથી ૨૪,૨૯,૮૦૭ અરજી મળી છે. ભારતમાંથી નોંધાવવામાં આવેલા નામની યાદી ત્રીજા ક્રમે છે. અમેરિકામાંથી ૬,૭૬,૭૭૩, ચીનમાંથી ૨,૬૨,૭૫૨ લોકોએ મંગળ મિશન મારફતે મંગળ પર નામ મોકલવા નોંધણી કરાવી છે. ભારત ત્રીજા ક્રમે છે.
કઈ રીતે મોકલાશે નામ મંગળ પર
નોંધાયેલા નામોની એક સિલિકોન ચિપ ઇલેક્ટ્રોન બીમની મદદથી નોંધ રખાશે. ચિપ પર લખાનારા અક્ષર વાળ કરતાં હજારો ગણા પાતળા હશે. તમામ નામ લખ્યા પછી તે ચિપ નાસાના સ્પેસ ક્રાફ્ટમાં મંગળ સુધી પહોંચશે.