ઓટ્ટાવા: ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યાના કેસમાં કેનેડા સરકારે ચાર ભારતીય નાગરિકો વિરુદ્ધ સીધો જ સુપ્રીમ કોર્ટમાં કેસ ચલાવવાનો નિર્ણય લીધો છે, જેને પગલે સરેની ટ્રાયલ કોર્ટમાં ચાલતી સુનાવણી અટકાવી દેવાઈ છે. બીજી બાજુ નિજ્જર હત્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશપ્રધાન જયશંકર અને ભારતના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અજિત ડોભાલના નામની સંડોવણીના અહેવાલો મુદ્દે વડાપ્રધાન ટ્રુડોએ પોતાના જ અધિકારીઓને ‘ક્રિમિનલ’ ગણાવ્યા હતા.
નિજ્જરની હત્યામાં ભારત પર ખોટા આરોપો લગાવીને પીએમ ટ્રુડો પોતે જ ફસાઈ ગયા છે. કેનેડાના મીડિયા રિપોર્ટ્સમાં આ કેસમાં પીએમ મોદી અને એનએસએ અજિત ડોભાલનો ઉલ્લેખ થયા પછી ટ્રુડોએ ખુલાસો કરવો પડયો છે. જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે, આ એક અવિશ્વસનીય અને ગુનાહિત જોડાણ છે.
કેનેડિયન મીડિયામાં કહેવાયું હતું કે, ખાલિસ્તાની હરદીપસિંહ નિજ્જરની હત્યાના કાવતરાંની માહિતી મોદી, અજિત ડોભાલ સહિત વરિષ્ઠ અધિકારીઓને હતી. કેનેડિયન મીડિયાના આ અહેવાલો સામે ભારતના વિદેશ મંત્રાલયે વાંધો ઉઠાવ્યા પછી બ્રામ્પ્ટનમાં ટ્રુડોએ કહ્યું કે, ક્રિમિનલ અધિકારીઓ સતત મીડિયામાં ગુપ્ત વાતો લીક કરી રહ્યા છે. તેથી અમે આ કયા અધિકારીઓ છે જે મીડિયામાં આ પ્રકારના નિવેદનો આપી રહ્યા છે તેની તપાસ શરૂ કરાવી છે.
બીજી બાજુ કેનેડાનાં નેશનલ સિક્યોરિટી એન્ડ ઈન્ટેલિજન્ટ એડવાઈઝર નતાલી જી ડ્રોઈને કહ્યું હતું કે કેનેડા સરકારને નિજ્જર હત્યા કેસના કાવતરાંની જાણ વડાપ્રધાન મોદી અને ડોભાલને હોવા અંગે તેમજ તેઓ કેનેડામાં કોઈ પણ ગુનાઈત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાની કોઈ માહિતી નથી. ડ્રોઈનના આ નિવેદન પછી ટ્રુડોની આંતરરાષ્ટ્રીય સ્તરે ફજેતી થઈ છે. કારણ કે તેમણે પોતાના જ અધિકારીઓને ટાંકીને પીએમ મોદી અને ડોભાલ પર નિજ્જર હત્યા કેસમાં સંડોવણીના આક્ષેપ કર્યા હતા.
ભારતીયો સામેનો કેસ સીધો સુપ્રીમ કોર્ટમાં
કેનેડાના સરેમાં ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યામાં ભારત સરકારની સંડોવણીના આરોપો મુકીને વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ભારે ફસાયા છે. હવે પોતાની વાતને સાચી સાબિત કરવા માટે તેઓ આઘાતજનક પગલાં લઈ રહ્યા છે. ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યાના કેસમાં કેનેડા સરકારે હવે ચાર ભારતીય નાગરિકો વિરુદ્ધ સીધા જ સુપ્રીમ કોર્ટમાં કેસ ચલાવવાનો નિર્ણય કર્યો છે. બીસી પ્રોસિક્યુશન સર્વિસના પ્રવક્તાને ટાંકીને એક મીડિયા જૂથે આ માહિતી આપી છે. સીધા સુપ્રીમ કોર્ટમાં કેસ ચલાવવાનો અર્થ છે કે હવે આ કેસમાં પ્રારંભિક સુનાવણી નહીં થાય અને કેસ ટ્રાયલ માટે સીધો જ સુપ્રીમમાં જશે. આ પ્રક્રિયામાં આરોપીઓના વકીલોને ફરિયાદી પક્ષના સાક્ષીઓની ઉલટ તપાસ કરવાની અને આ કેસ વિરુદ્ધ પુરાવા એકત્ર કરવાની તક નહીં મળે. કેનેડાએ નિજ્જરની હત્યા કેસમાં મે 2024માં ચાર ભારતીય નાગરિકો કરન બરાડ, અમનદીપ સિંહ, કમલપ્રીત સિંહ અને કરણપ્રીત સિંહની ધરપકડ કરી હતી.