નવી દિલ્હીઃ ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યાનું ગૂંચવાયેલું કોકડું હજુ ઊકલ્યું નથી એવામાં એક નવા સમાચાર છે. કેનેડા ભલે આ હત્યા માટે ભારત સરકાર પર આરોપ કરતું રહ્યું હોય પણ, હવે આ કેસમાં પાકિસ્તાનનો એક એંગલ પણ ઉમેરાયો છે. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે નિજ્જર હત્યાકેસની તપાસમાં હવે પાકિસ્તાની આઈએસઆઈ એજન્ટ તારીક કિયાની અને તેના સાથી રાહત રાવને તપાસના ઘેરામાં લીધા છે.
સૂત્રોએ જણાવ્યું કે કેનેડામાં નિજ્જરની નજીક જવાનું કોઈના માટે શક્ય નહોતું. રાવ અને કિયાની કેનેડામાં આઈએસઆઈના મુખ્ય એજન્ટ છે. બંને ઇન્ટેલિજન્સ એજન્સી માટે સૌથી વધારે સક્રિય છે. આ બંને એવા આતંકવાદીઓને પણ હેન્ડલ કરી છે જે ભારતથી કેનેડા આવ્યા હોય. સૂત્રોના જણાવ્યા અનુસાર, કિયાની અને રાવને નિજ્જરની હત્યાનો આદેશ અપાયો હતો, જેથી ડ્રગ બિઝનેસને સીધો તેમના દ્વારા નિયંત્રિત કરી શકાય.