ટોરોન્ટોઃ ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યાના મામલે કેનેડા કોર્ટે ચારેય ભારતીય આરોપીઓને જામીન આપ્યા છે. કરણ બરાર, કરણપ્રીત સિંહ અને કમલપ્રીત સિંહ અને અમનદીપ સિંહ નામના ચાર યુવકોની મે 2024માં ધરપકડ કરાઈ હતી. આ ચારેય પર ફર્સ્ટ ડિગ્રી મર્ડરની સાથે જ મર્ડરના ષડયંત્રનો પણ આરોપ છે.
હત્યા પછી બંને દેશો વચ્ચે તણાવ વધ્યો હતો
નિજ્જરની 18 જૂન 2023માં બ્રિટિશ કોલંબિયાના સર્રેમાં એક ગુરદ્વારા બહાર હત્યા કરાઈ હતી. નિજ્જરને ભારત સરકારે આતંકી જાહેર કર્યો હતો. જોકે કેનેડામાં ટ્રુડો સરકાર પાસેથી સંરક્ષણ મળવાથી તેને આતંકી મનાતો ન હતો. આ મામલો આંતરરાષ્ટ્રીય રીતે ત્યારે છવાયો હતો જ્યારે કેનેડાના તત્કાલીન વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કેનેડિયન સંસદમાં નિજ્જરની હત્યા પાછળ ભારત સરકારનો હાથ હોવાનો આરોપ મૂક્યો હતો. ભારત સરકારે આ આરોપોને પાયાવિહોણા ગણાવીને ફગાવ્યા હતા ત્યારબાદથી બંને દેશો વચ્ચે તણાવ વધ્યો હતો.