નિજ્જર હત્યાકેસમાં ત્રણની ધરપકડઃ ભારત-કેનેડા વચ્ચે તણાવ વધ્યો

Friday 10th May 2024 11:06 EDT
 
 

ટોરોન્ટોઃ ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ત્રણ ભારતીયોની ધરપકડ બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ રવિવારે કહ્યું, ‘'હત્યાની તપાસ માત્ર ત્રણ ભારતીયોની ધરપકડ સુધી મર્યાદિત નથી, તે હજુ પણ ચાલુ છે.
ઓન્ટેરિયોમાં શીખ ફાઉન્ડેશન ઓફ કેનેડાના કાર્યક્રમમાં ટ્રુડોએ ત્રણેય ધરપકડનો સ્વીકાર કરતા કહ્યું હતું, ‘કેનેડા કાયદાનું પાલન કરતો દેશ છે. નિજ્જરની હત્યા બાદ કેનેડામાં રહેતા શીખ સમુદાયના લોકો અસલામતી અનુભવી રહ્યા હતા. અહીં દરેક વ્યક્તિને ભેદભાવ અને હિંસાથી સુરક્ષિત રહેવાનો મૂળભૂત અધિકાર છે.’

કેનેડા સૌથી મોટી સમસ્યાઃ જયશંકર
બીજી તરફ ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે કટકમાં કહ્યું કે વિદેશમાં અમારા દૂતાવાસોને ધમકીઓ મળે છે. અત્યારે આપણી સૌથી મોટી સમસ્યા કેનેડા છે. કેનેડા સરકારે અલગતાવાદ અને હિંસાને સમર્થન કરનારાને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપી છે. દુનિયા એકતરફી નથી, કંઈક થશે તો વિરોધ થશે. ન્યુટનનો નિયમ ત્યાં પણ લાગુ પડશે.
નિજ્જર કેસમાં ભારત કનેક્શનના કેનેડાના દાવા પર જયશંકરે કહ્યું હતું કે ભારત પર આરોપ લગાવવો કેનેડાની રાજકીય મજબૂરી છે. આવતા વર્ષે ત્યાં ચૂંટણી થવાની છે, તેથી દેશમાં વોટબેંકની રાજનીતિ ચાલી રહી છે. આને ભારત સાથે કોઈ લેવાદેવા નથી.
જયશંકરે કહ્યું કે ભારત વિરુદ્ધ કામ કરતા લોકોને કેનેડામાં આશ્રય અપાય છે. ખાસ કરીને જેઓ પંજાબના છે તેઓ કેનેડાથી કામ કરે છે. ખાલિસ્તાન સમર્થકો કેનેડાની લોકશાહીનો દુરુપયોગ કરી રહ્યા છે. આજે તેઓ કેનેડાની વોટબેંક બની ગયા છે. કેનેડામાં શાસક પક્ષ પાસે સંસદમાં બહુમતી નથી. આવી સ્થિતિમાં સત્તામાં આવવા માટે ઘણી પાર્ટીઓ ખાલિસ્તાની સમર્થકો પર નિર્ભર છે.

કેનેડિયન પોલીસે જણાવ્યું છે કે આરોપીઓના નામ કરણ બ્રાર, કરણપ્રીત સિંહ અને કમલપ્રીત સિંહ છે. ત્રણેયની ઉંમર 20-30 વર્ષ વચ્ચે છે. નિજ્જરની હત્યાને અંજામ આપવામાં ત્રણેયે અલગ-અલગ ભૂમિકા ભજવી હતી. તેમાંથી એક નિજ્જરનું લોકેશન શોધવાની જવાબદારી હતી. બીજો આરોપી ડ્રાઈવર હતો અને ત્રીજાએ ગોળીબાર કર્યો હતો. ત્રણેય આરોપી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે પણ સંપર્કમાં છે. આ તમામ 2021માં ટેમ્પરરી વિઝા પર કેનેડા ગયા હતા. તેમની સામે ફર્સ્ટ ડિગ્રી મર્ડર અને હત્યાનું કાવતરું ઘડવાના આરોપમાં કેસ નોંધાયો છે. પોલીસે કહ્યું હતું કે બાકીના આરોપીની પણ ટૂંક સમયમાં ધરપકડ કરાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter