ઓટાવા: ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જર હત્યાકેસમાં કેનેડા પોલીસે વધુ એક ભારતીયની ધરપકડ કરી છે. આ સાથે આ કેસમાં અત્યાર સુધી ધરપકડ કરાયેલા ભારતીયોની સંખ્યા વધીને 4 થઈ છે. સરેમાં રહેતા અમનદીપ સિંહ (22) પર હત્યા અને હત્યાનું ષડયંત્ર રચવાનો આરોપ મૂકાયો છે. નોંધનીય છે કે 18 જૂન 2023ના રોજ 45 વર્ષીય નિજ્જરની બ્રિટિશ કોલંબિયાના સરેમાં ગુરુ નાનક શીખ ગુરુદ્વારાની બહાર હત્યા કરાઇ હતી. કેનેડિયન પોલીસની ઈન્ટિગ્રેટેડ હોમિસાઈડ ઈન્વેસ્ટિગેશન ટીમ (આઈએચઆઈટી) એ જણાવ્યું હતું કે અમનદીપની નિજ્જર હત્યાકેસમાં ભૂમિકા બદલ 11મેના રોજ ધરપકડ કરાઇ છે. તે અન્ય કેસના સંબંધમાં પીલ રિજનલ પોલીસની કસ્ટડીમાં હતો. આ પહેલા ત્રણ ભારતીય નાગરિક કરણ બરાડ, કમલપ્રીતસિંહ અને કરણપ્રીતસિંહની ધરપકડ કરાઈ હતી.
કેનેડાએ કોઇ પુરાવા આપ્યા નથીઃ ભારત
કેનેડા પોલીસે નિજ્જર હત્યાકેસમાં ભારતીયોની ધરપકડ તો કરી છે, પરંતુ આ કેસ સંદર્ભે કોઇ નક્કર પુરાવા ભારતને આપ્યા નથી. ભારતે સ્પષ્ટ કર્યું હતું કે કેનેડા દ્વારા આ મામલે કોઈ સ્પષ્ટ સંકેતો અપાયા નથી કે નક્કર પુરાવા અપાયા નથી. ભારત સામે કરવામાં આવેલા આક્ષેપો ખોટા અને પાયાવિહોણા છે. નિજ્જરકાંડમાં ભારતની સંડોવણીના કેનેડાના પાયાવિહોણા આક્ષેપો પછી બંને દેશો વચ્ચેના સબંધોમાં કડવાશ આવી છે. ભારત દ્વારા રાજદ્વારી ધોરણે કેનેડા સામે કેટલાક પગલાં લેવાયા છે. ભારતનાં વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, કેનેડાએ અમને ફક્ત આરોપીઓની ધરપકડની જાણકારી આપી છે. કોઈ સત્તાવાર માહિતી આપી નથી. કેનેડાએ આ મામલામાં કોઈ ખાસ કે પ્રાસંગિક પુરાવા આપ્યા નથી. નિજજરની હત્યાના મામલે ત્રણ ભારતીયોની ધરપકડ કરાઈ હોવાની જાણ કરાઈ છે આ મુદ્દે કોઈ સત્તાવાર કે રાજદ્વારી કોમ્યુનિકેશન કરાયું નથી.
ભારત જાસૂસી પ્રવૃત્તિ કરે છેઃ કેનેડા
બીજી તરફ, કેનેડાની ગુપ્તચર એજન્સીએ ભારત પર દેશની આંતરિક બાબતમાં હસ્તક્ષેપ કરવાનો અને જાસૂસી કરી રહ્યું હોવાના આક્ષેપ કર્યા છે. ગુપ્તચર એજન્સી સીએસઆઈએસ દ્વારા જારી રિપોર્ટમાં કહેવાયું છે કે ખાસ કરીને ચીન, રશિયા, ઈરાન અને ભારત કેનેડા અને પશ્ચિમના દેશોમાં દખલ અને જાસૂસી પ્રવૃત્તિ કરી રહ્યા છે.
પોતાના હેતુ અને હિતોને સાધવા 2023 દરમિયાન આ દેશો વિદેશી હસ્તક્ષેપ અને જાસૂસી પ્રવૃત્તિ કરતા રહ્યા હતા. અહેવાલમાં એજન્સીના વડા ડેવિડ વિગનોલ્ટે ગયા વર્ષે 18 જુલાઈના રોજ બ્રિટિશ કોલંબિયાના સરેમાં ખાલિસ્તાન સમર્થક હરદીપસિંહ નિજ્જરની હત્યાનું ઉદાહરણ પણ ટાંક્યું છે.