નવી દિલ્હીઃ એક તરફ ભાગેડુ નીરવ મોદી લંડનમાં જલ્સાપાણી કરી રહ્યો હોવાના અહેવાલો અખબારોમાં ચમકી રહ્યા છે ત્યારે ભારતમાં એવા અહેવાલ છે કે પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) સાથે કરાયેલી રૂ. ૧૩,૪૦૦ કરોડની છેતરપિંડીમાં માત્ર નીરવ મોદી જ નહીં પરંતુ તેનો આખેઆખો પરિવાર સંડોવાયેલો છે. હીરાના વેપારી નીરવ મોદીએ આચરેલી આર્થિક ગેરરીતિઓની તપાસ કરી રહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ મુંબઇની વિશેષ અદાલતમાં રજૂ કરેલા સપ્લીમેન્ટરી ચાર્જશીટમાં આક્ષેપ મૂક્યો છે કે ૯૩૪ કરોડ રૂપિયા પરિવારજનોના જુદા જુદા પર્સનલ બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાયા છે. આમાંથી ૫૬૦ કરોડ રૂપિયા નીરવ મોદીના એકાઉન્ટમાં, રૂ. ૨૦૦ કરોડ પત્ની એમી મોદી અને ૧૭૪ કરોડ રૂપિયા પિતા દીપક મોદીના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાયા છે. આ તમામ બેન્ક એકાઉન્ટ વિદેશી બેન્કોમાં છે. આ સાથે જ ઇડીએ હવે નીરવ મોદીની પત્ની એમી મોદીને પણ આ કેસમાં આરોપી બનાવી છે. ઇડીની પહેલી ચાર્જશીટમાં એમી મોદીનું નામ નહોતું. ઇડી હવે એમી મોદી વિરુદ્ધ પણ ઇન્ટરપોલની રેડ કોર્નર નોટિસ જારી કરાવવાની તૈયારીમાં છે.
કોના એકાઉન્ટમાં કેટલા ટ્રાન્સફર?
૫૬૦ કરોડ રૂપિયા નીરવ મોદી
૨૦૦ કરોડ રૂપિયા (પત્ની) એમી મોદી
૧૭૪ કરોડ રૂપિયા (પિતા) દીપક મોદી
૮૯ મિલિયન ડોલર (બહેન) પૂર્વી મોદી
૧.૪ મિલિયન ડોલર (મામી) પ્રીતિ કોઠારી
રૂ. ૧૦૦ કરોડનો બંગલો જમીનદોસ્ત
રાયગઢ જિલ્લાના અલીબાગમાં કિહિમ બીચની સામે આવેલો નીરવ મોદીની માલિકીનો ૩૦,૦૦૦ ચોરસ ફૂટનો પ્રખ્યાત બંગલો તોડી પાડવામાં આવ્યો છે. આ બંગલોનું બાંધકામ એટલું મજબૂત હતું કે તેને જેસીબી મશીનોથી પણ તોડવામાં સફળતા ન મળતાં આખરે વિસ્ફોટકો ગોઠવીને ધ્વસ્ત કરાયો હતો. રાયગઢ જિલ્લા વહીવટી તંત્રે ૩૦ કિલો વિસ્ફોટકોનો ઉપયોગ કરીને માત્ર પાંચ સેકન્ડમાં આ બંગલો તોડી પાડ્યો હતો. સિમેન્ટ કોંક્રિટના મજબૂત પાયામાં છિદ્રો પાડીને ૧૧૦ ફિટીંગ કરાયા હતા.
ઉલ્લેખનીય છે કે નીરવની જેમ જ આર્થિક ગેરરીતિના કેસમાં નાસતાફરતા મામા મેહુલ ચોકસીનો બંગલો પણ અહીંથી થોડા જ અંતરે આવાસ ગામમાં છે. આ બંગલો પણ તોડી પડાશે. આ બંગલો ૧૦,૦૦૦ ચોરસ ફૂટમાં પથરાયેલો છે, જેમાં પણ કીંમતિ ફર્નિચર અને કલાકૃતિઓ છે. ૧૦થી વધુ રૂમ છે, જેમાં ૨૦ એસી છે. મેહુલ ચોકસી ભાગી ગયો હોવાની વાતો ફેલાયા પછી ઘણી બધી મૂલ્યવાન ચીજો ચોરાઈ ગઈ છે. જોકે બાદમાં વહીવટી તંત્રે પગલાં લઇને ત્યાં બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. આ બન્ને બંગલોનું બિનઅધિકૃત ક્ષેત્રમાં ગેરકાયદે નિર્માણ થયું હોવાથી કોર્ટે એક આદેશમાં બંગલો તોડી જણાવ્યું હતું.